<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

પશ્ચિમ કચ્છ-ભુજના પ્રાગપર પોલીસ સ્ટેશનની હદમાં એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજાની ટીમે રાતડીયા સીમમાં રેડ કરી ઓઇલ ચોરીના મોટા કૌભાંડનો કર્યો પર્દાફાશ : ટેન્કરો અને ઓઇલ સહિત કુલ ₹૪,૩૪,૫૨,૬૩૫નો મુદ્દામાલ જપ્ત : જુઓ વિડિયો

કસ્ટડીમાં લેવાયેલા રાજેશકુમાર રાજપૂત, અવનિશ કાશ્યપ, ચંદ્રિકા પાંડે અને વિક્રમસિંહ ભટ્ટી સહિત ૧૧ શખ્સોની ધરપકડ : સુત્રધાર અબ્દુલ ગફુરભાઈ હાલેપોત્રા, પંકજભાઈ, ધ્રુવરાજસિંહ જેઠવા, ગોપાલભાઈ ગઢવી અને હરભમભાઈ રબારી સહિત ૫ આરોપીઓ વોન્ટેડ જાહેર

રાજકોટ : રાજ્યમાં સરકારી અને ખાનગી મિલકતો તેમજ કિંમતી સંસાધનોની ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ઓઇલ ચોરીના એક બહુ મોટા વ્યવસ્થિત નેટવર્ક પર ત્રાટકીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.જાડેજા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રાગપર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મુંદરા તાલુકાના રાતડીયા (ગણેશવાલા) ગામની સીમમાં રેડ કરવામાં આવી હતી. મોખા ટોલ પ્લાઝાથી મુંદરા તરફ જતા હાઇવે પર ડાબી બાજુએ શિવમ હોટેલની બાજુમાં અને ૬૬ કેવી પાત્રી-મુંદરા લાઇન નંબર ૫૨ની નીચે ખુલ્લા મેદાનમાં ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ઓઇલ ચોરી કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું, જ્યાં પોલીસે સપાટો બોલાવ્યો હતો. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨), ૩૦૬, ૩૧૬(૩), ૩૧૭(૧)(૨), ૬૧(૨) અને ૧૧૧(૨) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

૧૧ આરોપીઓ સ્થળ પરથી ઝડપાયા:

પોલીસના આ દરોડા દરમિયાન સ્થળ પરથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ૧૧ શખ્સોને ઝડપી પાડીને પ્રાગપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે, જેમાં નીચે મુજબના શખ્સોનો સમાવેશ થાય છે:

૧. રાજેશકુમાર રામવીરસિંહ રાજપૂત (ઉંમર: ૩૨, રહે. રાતડીયા સીમમાં કન્ટેનર, મૂળ રહે. ઉત્તર પ્રદેશ)

૨. અવનિશ રામશંકર કાશ્યપ (રાજપૂત) (ઉંમર: ૨૨, રહે. રાતડીયા સીમમાં કન્ટેનર, મૂળ રહે. ઉત્તર પ્રદેશ)

૩. ચંદ્રિકા ભોલાદા પાંડે (ઉંમર: ૪૧, રહે. રાતડીયા સીમમાં કન્ટેનર, મૂળ રહે. ઝારખંડ)

૪. વિક્રમસિંહ ભવરસિંહ ભટ્ટી (ઉંમર: ૨૩, રહે. રાતડીયા સીમમાં કન્ટેનર, મૂળ રહે. રાજસ્થાન)

૫. વિકાસકુમાર જમનારાયણ મહેતા (ઉંમર: ૩૨, ડ્રાઇવર, રહે. ગાડી નંબર GJ-39-TA-1684, મૂળ રહે. ઝારખંડ)

૬. શિવકુમાર રાજારામ પાસવાન (ઉંમર: ૪૦, ડ્રાઇવર, રહે. ગાડી નંબર GJ-12-BT-4115, મૂળ રહે. ઝારખંડ)

૭. શક્તાભાઈ માશાભાઈ મુંધવા (ઉંમર: ૩૫, ડ્રાઇવર, રહે. જશોદા, ભચાઉ, મૂળ રહે. રાપર, કચ્છ)

૮. અરૂણ મુના ઉરાંવ (ઉંમર: ૩૩, ડ્રાઇવર, રહે. ગાડી નંબર GJ-12-BX-5965, મૂળ રહે. ઝારખંડ)

૯. શનિકુમાર બંગાળી પ્રસાદ મહેતા (ઉંમર: ૨૧, ક્લીનર, રહે. ગાડી નંબર GJ-39-TA-1684, મૂળ રહે. ઝારખંડ)

૧૦. આકાશકુમાર રાજારામ યાદવ (ઉંમર: ૩૧, ડ્રાઇવર, રહે. ગાડી નંબર GJ-12-BZ-8884, મૂળ રહે. ઉત્તર પ્રદેશ)

૧૧. પ્રભાત ભૂષણસિંહ સભાપતી સિંહ (ઉંમર: ૨૮, ડ્રાઇવર, રહે. ગાડી નંબર GJ-39-T-6614, મૂળ રહે. બિહાર)

 

૫ મુખ્ય સૂત્રધારો વોન્ટેડ જાહેર:

આ ઓઇલ ચોરીના કૌભાંડમાં કન્ટેનર રાખીને મજૂરો પાસે કામ કરાવનાર મુખ્ય સંચાલકો અને ઓઇલના ગેરકાયદે વેપાર સાથે જોડાયેલા ૫ શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં આદિપુરના અબ્દુલ ગફુરભાઈ અહેમદ હાલેપોત્રા, અંજારના પંકજભાઈ, અંજારના ધ્રુવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જેઠવા, મુંદરા તાલુકાના વોવારના ગોપાલભાઈ લાઘાભાઈ ગઢવી અને ભીમાસરના હરભમભાઈ રબારીનો સમાવેશ થાય છે. આ તમામ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

 

કૌભાંડના સ્થળેથી કુલ ₹૪.૩૪ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.જાડેજાની ટીમે દરોડા દરમિયાન ગુનામાં વપરાયેલા વાહનો, ચોરીનું ઓઇલ અને સાધનો સહિત કુલ ₹૪,૩૪,૫૨,૬૩૫ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની વિગત નીચે મુજબ છે:

  ટેન્કરો: ₹૧,૫૦,૦૦,૦૦૦ની કિંમતના ૬ નંગ ટેન્કર.

  ઓઇલ જથ્થો: ટેન્કરોમાં ભરેલું ૨,૦૫,૧૭૦ કિલોગ્રામ ઓઇલ જેની કિંમત ₹૨,૮૧,૫૦,2૪૫ તથા ટેન્કરોમાંથી ચોરી કરાયેલું ૧,૪૬૫ કિલોગ્રામ ઓઇલ જેની કિંમત ₹૧,૭૮,૦૯૦.

  વાહનો અને મોબાઈલ: ₹૬૦,૦૦૦ની કિંમતના ૧૦ નંગ મોબાઈલ ફોન અને ₹૩૫,૦૦૦ની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (નંબર GJ 12 EH 5771).

  પેકિંગ અને માપણીના સાધનો: ₹૧૦,૦૦૦ની કિંમતના ૫૦ નંગ પ્લાસ્ટિકના બેરલ, ₹૧,૫૦૦ની કિંમતના ૩ નંગ લોખંડના બેરલ, ₹૪,૬૦૦ની કિંમતના ૩૫ લીટરના ૪૬ નંગ પ્લાસ્ટિકના કેરબા, ₹૨,૬૦૦ની કિંમતના ૨૦ લીટરના ૨૬ નંગ પ્લાસ્ટિકના કેરબા અને ₹૫,૦૦૦ની કિંમતનો ૧ ઇલેક્ટ્રોનિક વજનકાંટો.

  ચોરી પ્રક્રિયાના અન્ય સાધનો: ₹૨,૦૦૦ની કિંમતની પ્લાસ્ટિક પાઇપ સાથેની ઇલેક્ટ્રિક મોટર, ₹૧,૫૦૦ની કિંમતની ૩ પ્લાસ્ટિકની પાઇપો, ₹૯૦૦ની કિંમતની ૯ પ્લાસ્ટિકની ડોલ, ₹૫૦૦ની કિંમતની બેરલ ભરવા-ખાલી કરવાની ૨ લોખંડની પાઇપો, ₹૨૦૦નું ઇલેક્ટ્રિક બોર્ડ વાયર સાથે, ₹૨૦૦ની કિંમતના ૪ ઓઇલ લીકેજ સ્ટોપર, ₹૧૦૦નો ૧ પાણીનો જગ, ₹૧૦૦નો ૧ લોખંડનો વાલ્વ અને ₹૧૦૦ની કિંમતનું બેરલના લોક ખોલવા-બંધ કરવાનું ૧ પાનું.

  દસ્તાવેજો: ૬ ટેન્કરોની બિલ્ટીઓ તથા વાહનોના કાગળો (કિંમત ₹૦૦).

(8:18 PM IST)