<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીનું ધીમા પગલે આગમન

નલીયા ૧૭, વડોદરા ૧૮, રાજકોટ ૧૮.ર ભૂજમાં ૧૯.ર ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા. ૧૭ : રાજ્‍યમાં ઠંડીનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે. કચ્‍છના નલિયામાં આજે વહેલી સવારે ૧૭ ડિગ્રી ઠંડીનો ચમકારો નોંધાયો છે. આ સાથે જ રાજ્‍યના અન્‍ય શહેરોમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્‍યો છે. બરોડામાં ૧૮ ડિગ્રી, રાજકોટમાં ૧૮.૨ ડિગ્રી, ભુજમાં ૧૯.૨ ડિગ્રી, દિવમાં ૨૦.૪ ડિગ્રી, ભાવનગરમાં ૨૦.૬ ડિગ્રી, કંડલામાં ૨૦.૬ ડિગ્રી અને બંદરીય શહેર પોરબંદરમાં ૨૩.૪ ડિગ્રી તાપમાન આજે સવારે રહ્યું છે. સવાર અને સાંજના સમયે હવે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્‍યારે બપોરના સમયે હજુ પણ તડકો અને ગરમીનો અહેસાસ થાય છે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્‍છ સહિત રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધશે. સવારે વહેલા ઉઠતા લોકો, ખેડૂતો, વેપારીઓ અને ર્મોનિંગ વોક પર જતા લોકોને હવે હળવા ગરમ કપડાની જરૂર પડી રહી છે. ઠંડીના આગમન સાથે જ બજારમાં ગરમ કપડા, ધાબળા અને સ્‍વેટરની ખરીદી પણ વધી છે.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :  સુરેન્‍દ્રનગર જિલ્લામાં નવેમ્‍બર મહિનાના બે સપ્તાહ વિતી ગયા હોવા છતાં હજુ સુધી શિયાળાની કડકડતી ઠંડી જામી નથી. પવનની દિશા અનિયમિત રહેતાં દિવસ અને રાતના તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. પરિણામે ૧૭ દિવસ બાદ ઠંડીનું જોર ઓછું રહેતાં રાતનું તાપમાન ૨૨.૫ ડિગ્રી જ્‍યારે દિવસનું તાપમાન ૩૫.૬ ડિગ્રી સુધી રહેતા બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, સુરેન્‍દ્રનગર જિલ્લામાં ગત તા. ૧-૧૧-૨૦૨૬ના રોજ લઘુતમ તાપમાન ૨૪.૨ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૬.૦ ડિગ્રી નોંધાયું હતું. જેની સામે ૧૭ દિવસ બાદ તા. ૧૭-૧૧-૨૦૨૬ના રોજ લઘુતમ તાપમાન સામાન્‍ય ઘટાડા સાથે ૨૨.૫ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૫.૬ ડિગ્રી રહ્યું છે.નવેમ્‍બરના મધ્‍યભાગમાં રાત્રીનું તાપમાન સામાન્‍ય રીતે ૧૭ ડિગ્રીની આસપાસ રહેવું જોઈએ, તેની સામે હાલ પારો ૨૨.૫ ડિગ્રી રહેતાં સામાન્‍ય કરતાં ૫ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું છે.

(10:56 AM IST)