<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

મોરબીના જેતપર ગામે ખેડૂત ઉપવાસ આંદોલનનો છઠ્ઠો દિવસ:હવે રક્તદાનથી વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારી

આંદોલનને વધુ સક્રિય અને જીવંત રાખવા માટે મહિલાઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી:આકરી ગરમીની પરવા કર્યા વગર મહિલાઓએ આનંદનો ગરબો ગાઈ આંદોલનકારી ખેડૂતોનો ઉત્સાહ અને જુસ્સો વધાર્યો

મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી ખેડૂતો દ્વારા વીજલાઇનના વળતરના મુદ્દે ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. પોતાની માંગણીઓ માટે ખેડૂતો મક્કમ છે અને આ આંદોલન દિવસેને દિવસે વધુ વ્યાપક અને મજબૂત બની રહ્યું છે. ધોમધખતા તાપમાં પણ અન્નદાતાઓની હિંમત ઓછી થવાનું નામ નથી લઈ રહી.

આંદોલનને વધુ સક્રિય અને જીવંત રાખવા માટે મહિલાઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આકરી ગરમીની પરવા કર્યા વગર મહિલાઓએ આનંદનો ગરબો ગાઈ આંદોલનકારી ખેડૂતોનો ઉત્સાહ અને જુસ્સો વધાર્યો છે. આ દ્રશ્યો સાબિત કરે છે કે આ માત્ર ખેડૂતોની લડાઈ નથી, પરંતુ સમગ્ર પરિવારનો સંઘર્ષ છે.

જેતપર ગામની આંદોલન છાવણી હવે આકર્ષણનું કેન્દ્ર બની છે. મોરબી જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાતભરમાંથી ખેડૂત આગેવાનો અને સમર્થકો આંદોલનની મુલાકાત લઈ રહ્યા છે, જેના કારણે સરકાર પર દબાણ વધી રહ્યું છે. આંદોલનને વધુ ગંભીરતાથી નોંધ લેવડાવવા માટે ખેડૂતોએ આવતીકાલે એક મોટું આયોજન કર્યું છે. જેતપર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રક્તદાન દ્વારા વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જેથી સરકારનું ધ્યાન આ આંદોલન તરફ વધુ કેન્દ્રિત થાય છે 

(12:42 AM IST)