<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

૯૦૦ કરોડના ખર્ચે ગાંધીધામ–મુન્દ્રા વચ્ચે સિક્સ લાઇન રોડ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી

સાંસદ વિનોદભાઈ ચાવડાએ કેન્દ્ર સરકારનો માન્યો આભાર : ૫૮ કિ.મી.નો માર્ગ છ માર્ગીય બનતાં કચ્છના વેપાર-ઉદ્યોગ, બંદરીય પરિવહન અને રોજગારીને મળશે નવી ગતિ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૬ : કચ્છના માળખાગત વિકાસ, વેપાર-વાણિજ્ય અને ઔદ્યોગિક પ્રગતિને નવી દિશા આપતા મહત્ત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41 (NH-41) પર ગાંધીધામ (કંડલા)થી મુન્દ્રા પોર્ટ સુધીના 57.80 કિલોમીટર લાંબા માર્ગને છ માર્ગીય બનાવવાના પ્રોજેક્ટને રૂ. 991.19 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની મંજૂરી બદલ કચ્છના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીશ્રી નીતિનભાઈ ગડકરી તથા કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, દીનદયાળ (કંડલા) પોર્ટ અને મુન્દ્રા પોર્ટને જોડતો આ માર્ગ કચ્છના આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન છે. બંને મહત્ત્વપૂર્ણ બંદરો ઉત્તર ભારતના વેપાર, ઉદ્યોગ, કૃષિ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે પ્રવેશદ્વાર તરીકે કાર્ય કરે છે. આ માર્ગને છ માર્ગીય બનાવવાથી માલસામાનની હેરફેર વધુ ઝડપી, સુરક્ષિત અને સરળ બનશે તથા કચ્છ સહિત સમગ્ર દેશના આર્થિક વિકાસને નવી ગતિ મળશે.

*ટ્રાફિકની સમસ્યા ઘટશે, માર્ગ સલામતીમાં સુધારો થશે*

હાલમાં આ માર્ગ પર દરરોજ 55,000થી વધુ પેસેન્જર કાર યુનિટ્સ (PCU) જેટલો ટ્રાફિક રહે છે, જેમાં મોટા પ્રમાણમાં ભારે માલવાહક વાહનોની અવરજવરનો સમાવેશ થાય છે. વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને માર્ગનું વિસ્તરણ કરવામાં આવતાં વાહનવ્યવહાર વધુ સુગમ બનશે, ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને માર્ગ સલામતીમાં નોંધપાત્ર સુધારો થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત નવા ફ્લાયઓવર, વાહનો માટે અંડરપાસ તેમજ મોટા અને નાના પુલોનું પુનર્નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત અકસ્માતની સંભાવના ધરાવતા સ્થળોએ વિશેષ સલામતીનાં પગલાં લેવામાં આવશે. સમગ્ર કામગીરી હાલના ઉપલબ્ધ જમીન વિસ્તાર એટલે કે રાઇટ ઑફ વે (Right of Way)ની મર્યાદામાં હાથ ધરવામાં આવશે.

સાંસદશ્રી ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં મુસાફરીના સમયમાં અંદાજે 20 ટકાનો ઘટાડો થવાની સાથે લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. કંડલા અને મુન્દ્રા બંદરોને ઉત્તર ભારતનાં ઔદ્યોગિક તથા કૃષિ ક્ષેત્રો સાથે જોડતી માલવહન વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બનશે. પરિણામે ઉદ્યોગો અને વેપારીઓને પરિવહન ક્ષેત્રે લાભ મળશે તથા કચ્છમાં વેપાર-વાણિજ્ય, ઉદ્યોગો, પરિવહન વ્યવસાય અને રોજગારીની નવી તકોનું સર્જન થશે.

*વિકસિત ભારતના સંકલ્પ તરફ મહત્ત્વપૂર્ણ પગલું*

કચ્છની પ્રગતિ એ ગુજરાતની પ્રગતિ અને ગુજરાતની પ્રગતિ એ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે, તેમ જણાવતાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના માળખાગત વિકાસ માટે લેવામાં આવતા સતત હકારાત્મક નિર્ણયો બદલ પુનઃ આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગાંધીધામ–મુન્દ્રા માર્ગનો આ પ્રોજેક્ટ કચ્છને દેશના અગ્રણી બંદર-આધારિત લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવશે. સાથે જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના *‘વિકસિત ભારત @ 2047’*ના સંકલ્પને સાકાર કરવામાં પણ આ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.

(9:43 AM IST)