News of Saturday, 29th August 2026
કચ્છમા એનડીઆરએફના જવાનોને રાખડી બાંધી ‘માવતરનો મેળો’ની બહેનોએ વ્યક્ત કરી સ્નેહ અને કૃતજ્ઞતાની લાગણી
શ્રી જખ મંદિર, માધાપર, ભુજ ખાતે રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, દેશની રક્ષા અને આપત્તિ સમયે સેવા આપતા જવાનોનું સન્માન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ : ભાઈ-બહેનના પવિત્ર સ્નેહ અને અતૂટ બંધનના પર્વ રક્ષાબંધનની શ્રી જખ બૌતેરા સંધ, જખ મંદિર માધાપર ખાતે ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશની સુરક્ષા તેમજ કુદરતી આપત્તિઓ દરમિયાન નિઃસ્વાર્થ સેવા આપતા NDRFના જવાનો સાથે રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પરિવાર તેમજ મુંબઈથી પધારેલી ‘માવતરનો મેળો’ની બહેનોએ NDRFના જવાનોને રાખડી બાંધી તેમના પ્રત્યે સ્નેહ, આદર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. દેશ અને સમાજની સુરક્ષા માટે હંમેશા ખડેપગે રહેતા જવાનોને રાખડી બાંધી તેમની સેવા, સમર્પણ અને ફરજનિષ્ઠાને વંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જવાનો અને બહેનો વચ્ચે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણીસભર ક્ષણો સર્જાઈ હતી. બહેનોએ જવાનોને મીઠાઈ ખવડાવી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ, ભાઈચારો અને માનવતાની ભાવનાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
’માવતરનો મેળો’ એક રીચાર્જ સેન્ટર સમાન : નરેશભાઈ શાહ
આ પ્રસંગે શ્રી જખ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નરેશભાઈ શાહે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૨માં માત્ર ૩૬ કલાકના ગાળામાં તેમના માતા-પિતા બંનેનું અવસાન થયું હતું. માતા-પિતાની સ્મૃતિને ચિરંજીવ રાખવા તેમણે ‘માવતરનો મેળો’ નામની અનોખી પહેલ શરૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “‘માવતરનો મેળો’ વડીલો માટે એક રીચાર્જ સેન્ટર સમાન છે. આ યોજનાને કચ્છી સમાજમાં ખૂબ સારો પ્રતિસાદ અને ચાહના મળી રહી છે. આ અનોખી સેવાકીય પહેલ બદલ નરેશભાઈ શાહને વિવિધ ક્ષેત્રોમાંથી અભિનંદન મળી રહ્યા છે. વધુમાં નરેશભાઈ શાહે જણાવ્યું હતું કે, દેશની સેવા કરતા NDRFના જવાનો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ એક નાનકડો પ્રયાસ છે. રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના સંબંધનો તહેવાર નથી, પરંતુ સમાજ અને દેશની રક્ષા કરનાર દરેક વીરના સન્માનનો પણ પર્વ છે.
NDRF ટીમ દ્વારા મંદિર પરિવારનો આભાર
કાર્યક્રમમાં NDRF – નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ટીમ કમાન્ડર સત્યનારાયણ પારેખ તથા ટીમ-2ના IC ASI/GD જગદીશ પ્રસાદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે NDRFના જવાનો વતી આ ભાવસભર અને અનોખા આયોજન બદલ શ્રી જખ મંદિર પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની સાથે દેશભક્તિ, સેવાની ભાવના, ભાઈચારો અને માનવતાનો સંદેશ પ્રસર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના મેનેજર પ્રવીણભાઈ સોની અને હિતેશભાઈ ગજ્જરે કર્યું હતું.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
