તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
સુરતથી આવેલી ભાણીએ મામાના ઘરે કબાટ સાફ કર્યો, દાગીના લઈ ફરાર

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા. ૨૯ :.. ઉમરાળા તાલુકાના ધોળા ગામે રહેતા વિપુલભાઈ હિમતભાઈ સોલંકીના ઘરે ગત દિવસોમાં તેમની ભાણી પાયલબેન રમેશભાઈ ગોહેલ (મૂળ રહે. મેથળી, તા. લાઠી, હાલ રહે. સુરત) પોતાના પતિ અલ્પેશભાઈ સાથે આવી હતી. મામાના ઘરે ભાણી આવતા પરિવારમાં આનંદનો માહોલ હતો અને તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ મામાના ઘરે આવેલી ભાણીના મનમાં કંઈક બીજો જ ખેલ ચાલી રહ્યો હતો, તેની કોઈને કલ્પના પણ નહોતી.
મામાના ઘરે પહોંચ્યા બાદ ભાણી પાયલબેને તૈયાર થવાના બહાને મામાના રૂમમાં જઈ લગભગ એક કલાક સુધી રોકાણ કર્યું હતું. આ દરમિયાન તેણે અત્યંત ચાલાકીપૂર્વક કબાટની ચાવી શોધી કાઢી અને કબાટ ખોલી અંદર રાખેલા કિંમતી સોનાના દાગીના અને રોકડ રકમ પર હાથ સાફ કરી લીધો હતો.
થોડા સમય બાદ જ્યારે મામા વિપુલભાઈએ કબાટ ખોલ્યું ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. કબાટમાં રાખેલા સોનાના ઘરેણાં, સોનાનું ડોકીયુ, ચેન, પેન્ડન્ટ સહિતના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૯૩,૨૬૫ નો મુદ્દામાલ ગાયબ હોવાનું જણાયું હતું.
ચોરીના આ કળત્યને અંજામ આપ્યા બાદ પાયલબેન ઉતાવળમાં પોતાનો થેલો લઈ તેના પતિ સાથે ચભાડીયા ગામ તરફ જતી રહી હતી. ત્યારબાદ તે પોતાના સાસરીમાંથી પણ અચાનક લાપતા બની ગઈ હોવાનું જાણવા મળ્યું છે, જેનાથી તેની ચોરીની વાતને વધુ બળ મળ્યું છે.
આખરે ભારે હૈયે મામા વિપુલભાઈએ ઉમરાળા પોલીસ મથકે દોડી જઈ પોતાની સગી ભાણી પાયલબેન વિરુદ્ધ ચોરીની લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી ફરાર ભાણીની શોધખોળ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
