<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમા 6 વોર્ડમાં સિંગલ ઈવીએમ :10 વોર્ડમાં ડબલ ઈવીએમ મશીન ગોઠવાશે

26 એપ્રિલે મતદાન : એક EVMમાં 14 ઉમેદવારની મર્યાદા હોવાથી ઉમેદવારોની સંખ્યા વધુ હોય ત્યાં ડબલ મશીન : વોર્ડ નંબર 2, 3, 4, 5, 7 અને 8માં સિંગલ મશીન મુકાશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.16 : જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ મશીનોની ફાળવણી અંગે મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. તા.26 એપ્રિલે યોજાનારી મતદાન પ્રક્રિયા માટે શહેરના તમામ વોર્ડમાં જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

 

માહિતી મુજબ જામનગર મહાનગરપાલિકાના કુલ 16 વોર્ડ પૈકી 6 વોર્ડમાં સિંગલ ઈવીએમ મશીન મુકવામાં આવશે, જ્યારે બાકીના 10 વોર્ડમાં ડબલ ઈવીએમ મશીનની વ્યવસ્થા કરવામાં આવશે. એક ઈવીએમ મશીનમાં 14ની મર્યાદિત સંખ્યામાં ઉમેદવારો માટે મતદાન શક્ય હોય છે, તેથી જ્યાં ઉમેદવારોની સંખ્યા વધુ છે તેવા વોર્ડોમાં બે ઈવીએમ મશીનો મુકવાની જરૂરિયાત ઉભી થઈ છે.

 

ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ જ્યાં ઉમેદવારોની સંખ્યા ઓછી છે તેવા 6 વોર્ડમાં એક જ ઈવીએમ મશીન દ્વારા મતદાન પ્રક્રિયા પાર પાડવામાં આવશે. જ્યારે બાકીના 10 વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી ડબલ ઈવીએમ મશીન મુકવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મતદાન પ્રક્રિયા સરળ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે.

 

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 7 અને 8માં સિંગલ મશીન મુકાશે, જ્યારે બાકીના તમામ વોર્ડમાં ડબલ ઈવીએમની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

 

જામનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ વોર્ડોમાં ઈવીએમ મશીનોની ઉપલબ્ધતા, સુરક્ષા અને તકનિકી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાન કેન્દ્રો પર જરૂરી સ્ટાફ અને સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. આ તમામ તૈયારીઓના પગલે આવનારી ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા સરળતાથી અને પારદર્શક રીતે પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(11:17 AM IST)