તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
વરસાદના અભાવે સુરેન્દ્રનગરનું રણ સૂકાઇ જતા ઝીંગા ઉદ્યોગ પડી ભાંગ્યોઃ પ્રથમવારની ઘટના

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૨: ઝાલાવાડનું રણ ચોમાસુ આવતા જ સમુદ્રમાં ફેરવાઇ જવાના કારણે દર વર્ષે ૧૦થી ૧૨ હજાર ટન ઝીંગાનું ઉત્પાદન થાય છે. પરંતુ આ વર્ષે હજુ સુધી માત્ર ૨૦ ટકા જ વરસાદ નોંધાયો છે. પાટડી પંથકમાં ૧૦૭ મીમી વરસાદને લઈ ઝીંગા ઉદ્યોગ પડી ભાંગ્યો છે.
આ ઝીંગા પોરબંદર અને વેરાવળ થઇ સ્ટીમર મારફતે ડબ્બામાં પેકિંગ થઇ સાત સમદંર પાર પહોંચે છે. પરંતુ ચાલુ વર્ષે જુલાઈ મહિનો પૂર્ણ થવા આવ્યો તોય રણકાંઠામાં નહિવત વરસાદ ખાબકતા રણમાં પ્રથમ વખત ઝીંગાનું ઉત્પાદન શૂન્ય નોંધાયું છે.
ઝાલાવાડના રણની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે, આ રણ ચોમાસામાં સરસ્વતી, બનાશ અને રૂપેણ નદીની સાથે વરસાદી પાણી આવે છે. દર વર્ષે રણમાં ૧૫ જૂનથી વરસાદ ખાબકવા લાગતા જૂનના અંત સુધીમાં તો સૂકુભઠ્ઠ રણ સમુદ્રમાં ફેરવાઇ જાય છે.
એ સમયે રણમાં પુષ્કળ પ્રમાણમાં ઝીંગાનું ઉત્પાદન થાય છે. રણમાં મીઠા પાણીની સાથે ભરતીમાં આવેલા સમુદ્રના પાણીનું મીશ્રણ થતાં છીછરા પાણીના કારણે ઝીંગા બને છે. આ ઝીંગા કુદરતી વાતાવરણમાં નૈસર્ગિક રીતે બનતા ભારતમાં રણમાં બનતા ઝીંગા સૌથી વધુ પ્રચલિત છે.
રણમાં ઉત્પાદન થયેલા લીલા ઝીંગાના કિલોના રૂ. ૩૫થી ૫૦ મળે છે. એને સૂકવીને સાફ કરેલા ઝીંગાના એમને કિલોના રૂ. ૨૫૦થી ૩૦૦ મળે છે.
રણમાં વર્ષોથી ઝીંગાના વ્યવસાયમાં જોડાયેલા મીયાણા પરિવાર માટે રણમાં ઝીંગાના ઉત્પાદનનું સ્વપ્નનું મોઇલો દૂર હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે. આ ઝીંગા ઉત્પાદનમાં મીયાણા પરિવારના ૧૦ હજારથી વધુ લોકો જોડાયેલા છે. રણમાં વર્ષોથી ઝીંગા પકડવાનું કામ કરતા હસનભાઇ ધૂંસા અને દિદારભાઇ જણાવે છે કે, ચોમાસાની આખી સીઝન વિતવા છતાં રણમાં વરસાદ ન ખાબકતા અંદાજે ૧૦ હજાર પરિવારોનું આખી સિઝન ફેઇલ જવાની સાથે રોજીરોટી છીનવાઇ ગઇ છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
