<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

શ્રી ઋષિવંશી સમાજની ગાંધીનગરથી અંબાજી સુધી ભવ્ય દર્શન યાત્રા: 100 ગાડીઓના કાફલા સાથે ભક્તિમય પ્રયાણ

જલોત્રા ખાતે સભા અને ભોજન સમારોહ, ગુજરાતભરના આગેવાનો જોડાશે

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : શ્રી ઋષિવંશી સમાજ સેવા સંઘ - ગુજરાત દ્વારા સમાજમાં એકતા, સંગઠન અને ધાર્મિક ભાવનાને વધુ મજબૂત કરવાના હેતુથી "ચલો બુલાવા આયા હૈ, માં અંબાએ બુલાયા હૈ" ના ભક્તિમય નાદ સાથે અંબાજી દર્શન યાત્રા-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રામાં ગુજરાતભરના સમાજના આગેવાનો અને ભક્તો ઉત્સાહભેર જોડાશે. આયોજકો દ્વારા 100 જેટલી ગાડીઓના વિશાળ કાફલા સાથે માં અંબાના પવિત્ર ધામે દર્શન કરવા માટે સૌ સમાજબંધુઓને જોડાવા માટે ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
તા. 27 ઓક્ટોબર, 2026, મંગળવારના રોજ સવારે 8 વાગ્યે ગાંધીનગરથી આ યાત્રાનો પ્રારંભ થશે. યાત્રાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, ગાંધીનગરથી શરૂ થઈને આ યાત્રા મહેસાણા, સિદ્ધપુર, ધારેવાડા, જલોત્રા, પાલનપુર અને દાંતા થઈને અંબાજી ખાતે પહોંચશે, જ્યાં માં અંબાના નિજ મંદિરના દર્શન કરવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
યાત્રાના માર્ગમાં જલોત્રા ખાતે બપોરે 11 વાગ્યે ભવ્ય સભા તથા ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સંગઠન, એકતા અને સમાજની પ્રગતિ અંગે મહત્ત્વપૂર્ણ વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવશે.
આ પવિત્ર યાત્રાના સફળ આયોજન માટે ઋષિવંશી સમાજ સેવા સંઘ - ગુજરાતના સ્થાપક-પ્રમુખ  હેમરાજભાઈ પાડલીયા ના માર્ગદર્શન હેઠળ સંઘના હોદ્દેદારો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ યાત્રાના આયોજકો તરીકે બનાસકાંઠા જિલ્લા ઋષિવંશી સમાજ સેવા સંઘ પરિવારના રાકેશભાઈ ચૌહાણ (જલોત્રા) અને જીતુભાઈ નાઈ (ધારેવાડા) સેવા આપી રહ્યા છે.
સમાજના અગ્રણી હોદ્દેદારોમાં મહામંત્રી રતિભાઈ સુરાણી, મહામંત્રી ભગવાનદાસ વિઠ્ઠલપરા, કારોબારી પ્રમુખ લલિતભાઈ રાઠોડ, ઉપપ્રમુખ રાજુભાઈ પરમાર, ઉપપ્રમુખ નવનીતભાઈ ઝાલા, ઉપપ્રમુખ પી.એચ. શર્મા, પૂર્વ કારોબારી પ્રમુખ નંદુભાઈ પારેઈ, પૂર્વ કારોબારી પ્રમુખ ગોવિંદભાઈ, મહામંત્રી રાકેશભાઈ ચૌહાણ, સહ મહામંત્રી ભાવેશભાઈ ચૌહાણ, મંત્રી કનૈયાલાલ મુંજપરા તથા કોષાધ્યક્ષ નયનભાઈ વૈષ્ણવ સહિતના આગેવાનો આ યાત્રાને સફળ બનાવવા માટે સક્રિય યોગદાન આપી રહ્યા છે.
ઋષિવંશી સમાજ સેવા સંઘ - ગુજરાતના સ્થાપક-પ્રમુખ હેમરાજભાઈ પાદલીયાએ સમાજના તમામ આગેવાનો, યુવાનો અને સમાજબંધુઓને આ પવિત્ર યાત્રામાં સહભાગી બનવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, માં અંબાના દર્શન કરવાની હૃદયપૂર્વકની ઇચ્છા સાથે સમાજના સૌ લોકોને એકસાથે જોડવાનો આ એક સુંદર પ્રયાસ છે. સૌના સહયોગથી આ યાત્રા ભક્તિ, એકતા અને સામાજિક સમરસતાનું પ્રતિક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
"માં અંબાના આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તથા ઋષિવંશી સમાજ સંગઠિત બની પ્રગતિના માર્ગે આગળ વધે" તેવી શુભકામનાઓ સાથે આયોજકો દ્વારા સૌ સમાજબંધુઓને આ યાત્રામાં જોડાવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

(8:37 PM IST)