News of Saturday, 12th September 2026
ભાવનગરમાં લઠ્ઠાકાંડના ઝેરી દારૂના મોતમાં ચોંકાવનારો વળાંક: ધંધાકીય અદાવતમાં મિત્રએ જ સંતાડી રાખેલો ઝેરી દારૂ પીવડાવી રિક્ષાચાલકની કરી હત્યા
લઠ્ઠાકાંડનો મિથાઈલ આલ્કોહોલ યુક્ત દારૂ ઢોળી નાખ્યાનું જૂઠું બોલી આરોપીએ ઘરમાં સંતાડી રાખ્યો હતો: FSL રિપોર્ટમાં ઝેરની પુષ્ટિ થતાં પોલીસે દર્જ કર્યો હત્યાનો ગુનો

ભાવનગર : ભાવનગરમાં ચકચાર મચાવનારા લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીવાથી થયેલા એક વ્યક્તિના મોતના કેસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. લઠ્ઠાકાંડના કારણે થયેલું આ મોત કુદરતી કે અકસ્માત નહીં, પરંતુ ધંધાકીય અદાવતમાં રચાયેલું ક્રૂર હત્યાનું કાવતરું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હુડકોના આણંદનગરમાં રહેતા ૪૮ વર્ષીય રિક્ષાચાલક ભાવેશ ધીરુભાઈ વિસાણી નામના યુવકને તેના જ મિત્ર મુકેશ પટેલે સંતાડેલો ઝેરી દારૂ પીવડાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસ તપાસની વિગતો મુજબ, મૃતક ભાવેશ વિસાણી અને આરોપી મુકેશ હસમુખભાઈ પટેલ વચ્ચે લાંબા સમયથી ધંધાકીય બાબતે મનદુઃખ ચાલી રહ્યું હતું. ભાવેશને રસ્તામાંથી હટાવી દેવાના ઈરાદાથી મુકેશે ગંભીર ષડયંત્ર રચ્યું હતું. મુકેશે ૧૪ ઓગસ્ટે સંજય નામના શખ્સ પાસેથી રોયલ સ્ટેગ દારૂની બોટલ ખરીદી હતી. લઠ્ઠાકાંડમાં ૧૩ લોકોના મોત થયા ત્યારે પોલીસે પૂછપરછ કરતાં મુકેશે દારૂ ઢોળી નાખ્યો હોવાનું જૂઠું બોલીને તે બોટલ પોતાના ઘરના દાદરા નીચે સંતાડી રાખી હતી. ત્યારબાદ ૩ સપ્ટેમ્બરે તેણે આગ્રહ કરીને આ ઝેરી દારૂ ભાવેશને પીવા આપી દીધો હતો.
દારૂ પીધાના બીજા જ દિવસે ભાવેશને તાવ, ગભરામણ અને સતત ૨૫ જેટલી ઉલટીઓ થતાં તેની તબિયત ગંભીર રીતે લથડી હતી. તેણે મુકેશને ફોન કર્યો ત્યારે મુકેશે તેને પોલીસને દારૂ વિશે કાંઈ ન કહેવા સતત દબાણ અને ધાકધમકી આપી હતી. મૃતકના ભાઈએ પોલીસને સોંપેલા કોલ રેકોર્ડિંગ અને પેનડ્રાઈવમાંથી આ દબાણના ભરોસાપાત્ર પુરાવા મળી આવ્યા હતા. ભાવેશને તુરંત સર ટી. હોસ્પિટલના MICU-૨ માં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
FSL ગાંધીનગરના બ્લડ સેમ્પલ રિપોર્ટમાં ૦.૦૮૧૮% W/V મિથાઇલ આલ્કોહોલ હોવાની પુષ્ટિ થતાં જ હત્યાનો પર્દાફાશ થયો હતો. ઘોઘારોડ પોલીસ સ્ટેશને આરોપી મુકેશ પટેલ અને દારૂ સપ્લાય કરનાર સંજય વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં ૧૪ લોકોના મોત થયા છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મુખ્ય સૂત્રધાર સહિત ૪૦ આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કરી દેવામાં આવ્યા છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
