<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

જામનગરમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ : બે વર્ષ પહેલાં હત્યા કરી મૃતદેહ જમીનમાં દાટી દીધો : જુઓ વિડીયો

પતિ ઓસ્ટ્રેલિયા ગયાનું જૂઠું નાટક રચનારી પત્ની પૃથ્વી અને પ્રેમી નિલેશની કાળી કરતૂતનો ભાંડો ફૂટ્યો : એએસપી પ્રતિભા રાવ સહિતના કાફલાએ મૃતદેહ શોધવા ખોદકામ શરૂ કર્યું

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : જામનગરમાં છેલ્લા બે વર્ષથી ગુમ થયેલા યુવકની હત્યા થઈ હોવાનો સનસનાટીભર્યો ઘટસ્ફોટ થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની નિર્મમ હત્યા કરી તેના મૃતદેહને જમીનમાં દાટી દીધો હોવાનો ખુલાસો થતાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

 

મળતી વિગતો અનુસાર, જામનગરના જીગ્નેશ માવદીયા નામના યુવક છેલ્લા બે વર્ષથી રહસ્યમય રીતે લાપતા હતા. આ સમય દરમિયાન તેમની પત્ની પૃથ્વી પરિવારજનોને એવું કહીને ગુમરાહ કરતી હતી કે તેના પતિ જીગ્નેશ ઓસ્ટ્રેલિયા ગયા છે. જોકે, પરિવારનો અન્ય એક વ્યક્તિ ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો હોવાથી તેમણે જીગ્નેશનો સંપર્ક કરવા માટે ઓસ્ટ્રેલિયાનો નંબર માગ્યો હતો. પત્ની નંબર આપવામાં સંતોષકારક જવાબ આપી શકી નહોતી, જેથી પરિવારજનોને શંકા ગઈ હતી. કડક પૂછપરછ અને તપાસના અંતે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો કે પત્ની પૃથ્વીએ પોતાના પ્રેમી નિલેશ સાથે મળીને જીગ્નેશને મોતને ઘાટ ઉતારી દીધા છે અને તેના મૃતદેહને જમીનમાં દાટી દીધો છે.

 

આ અંગે જીગ્નેશના મોટાભાઈએ ૨૬ જુલાઈ ૨૦૨૬ ના રોજ પોલીસમાં અરજી આપતાં જામનગર પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ સનસનાટીભર્યા ગુનાનો ખુલાસો થતાં જ એએસપી પ્રતિભા રાવ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પ્રેમી-પત્નીની કબૂલાતના આધારે મૃતદેહને બહાર કાઢવા માટે ઘટનાસ્થળે ખોદકામની કવાયત હાથ ધરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(7:17 PM IST)