<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ઉનાના ગીરગઢડામાં અરેરાટીભરી ઘટના: માતા-પિતા વચ્ચે સૂતેલા ૩ વર્ષના બાળકને ધાબા પરથી દીપડો ઉઠાવી ગયો, ખેતરમાંથી મળ્યો મૃતદેહ

રોજીરોટી માટે ગોધરાથી આવેલા ખેતમજૂર પરિવાર પર આભ તૂટી પડ્યું; વન વિભાગે પાંજરું મૂકી એક દીપડાને ઝબ્બે કર્યો.

ઉના : ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના સણોસરી ગામના ખંભાળા વિસ્તારમાં મોડી રાત્રે દીપડાના હુમલાની એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાડીના ધાબા પર માતા-પિતાની વચ્ચે સૂતેલા ત્રણ વર્ષના માસૂમ બાળક ચેતનને દીપડો ઉઠાવી ગયો હતો. બનાવની જાણ થતાં જ ગ્રામજનો અને વન વિભાગે હાથ ધરેલી સઘન શોધખોળ બાદ નજીકના જુવારના ખેતરમાંથી બાળકનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

 

બનાવની વિગતો મુજબ, ગોધરાથી આવેલા ગિરીશભાઈ બામણીયાનો પરિવાર સણોસરીના ખંભાળા વિસ્તારમાં બાલુભાઈ કાતરીયાની વાડીમાં છેલ્લા દોઢ-બે મહિનાથી ખેતમજૂરી કરતો હતો. રાત્રે આશરે સાડા નવથી દસ વાગ્યાના અરસામાં પરિવાર ધાબા પર સૂવા ગયો હતો. મધરાત બાદ અચાનક ધાબા પર પહોંચેલા હિંસક દીપડાએ માસૂમ બાળક ચેતન પર હુમલો કરી તેને મોઢામાં દબોચી લીધો હતો.

 

બાળકને બચાવવા માટે પિતાએ ત્વરિત પ્રતિકાર કર્યો હતો, પરંતુ દીપડો બાળકને લઈને ધાબા પરથી નીચે કૂદીને નજીકના ખેતર તરફ ભાગી ગયો હતો. પરિવારજનોની બૂમાબૂમ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાડીમાલિકો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ અને શૂટર્સની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

 

રાત્રિના અંધકાર વચ્ચે ગ્રામજનો અને વન વિભાગના કર્મચારીઓએ ટોર્ચની મદદથી આસપાસના ખેતરોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. થોડીવાર બાદ નજીકના જુવારના ખેતરમાંથી બાળકનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો. બાળકના શરીર પર ગંભીર ઈજાના નિશાન હતા અને ઘટનાસ્થળેથી દીપડાના પંજા તથા લોહીના નિશાનો મળી આવ્યા હતા.

 

આ કરુણ બનાવ બાદ વન વિભાગે તાત્કાલિક હરકતમાં આવીને વિસ્તારમાં ચાર જેટલા પાંજરા ગોઠવી દીધા હતા. વન વિભાગની કવાયત અને સ્થાનિકોના સહયોગથી આશરે એક જ કલાકના સમયગાળામાં એક દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. જોકે, હુમલો કરનાર દીપડો આ જ છે કે અન્ય કોઈ, તે અંગે વન વિભાગ દ્વારા આગળની તપાસ અને નિરીક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે.

 

પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ માસૂમ બાળક ચેતનનો મૃતદેહ તેના અશ્રુભીના પરિવારને સોંપવામાં આવ્યો હતો. આઘાતમાં સરી પડેલો પરિવાર બાળકના મૃતદેહ સાથે પોતાના વતન ગોધરા જવા રવાના થયો હતો. પેટનો ખાડો પૂરવા અને રોજીરોટી મેળવવા વતનથી દૂર આવેલા ગરીબ પરિવારની ખુશીઓ એક જ રાતમાં કાળના મુખમાં હોમાઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે શોકની કાલીમા છવાઈ ગઈ છે.

(9:12 PM IST)