તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Monday, 5th October 2026
ઉના પાસે અકસ્માતમાં ગોંડલના ગુંદાળા ગામના સરપંચના ભત્રીજાના મોતથી અરેરાટી
દિવથી પરત ફરતા'તાને ટ્રેકટર પાછળ બોલેરો અથડાઇઃ અન્ય ત્રણ મિત્રોને ઇજાઃ એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકનુ મોજ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૫: ગિર સોમનાથ જિલ્લાના ઉના બાયપાસ રોડ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પથ્થર ભરેલા ટ્રેક્ટર પાછળ પૂરપાટ ઝડપે ધસી આવેલી બોલેરો કાર ધડાકાભેર અથડાતા ગોંડલના ગુંદાળા રહેતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મિત્રો પૈકી એકને ગંભીર અને બે યુવકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ તાલુકાના ગુંદાળા ગામના ચાર યુવાનો પોતાના કામ અર્થે બહાર ગયા હતા અને કામ પતાવીને દીવ ફરવા ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ઉના-ભાવનગર બાયપાસ રોડ પર મોડી રાત્રે પથ્થર ભરેલા ટ્રેક્ટર પાછળ તેમની બોલેરો કાર પૂરપાટ ઝડપે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફાડાઉડી ગયા હતા. અકસ્માતમાં કાર ચલાવી રહેલા ગોંડલ તાલુકાના ગુંદાળા ગામના ૩૦ વર્ષીય યુવક ક્રિપાલ જયંતિભાઈ ડાભીનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મિત્રો પૈકી જિગ્નેશ પરબતભાઈ મકવાણાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય બે યુવકો કુલદીપ કિશોરભાઈ ગણાત્રા અને મનસુખ છગનભાઈ ઉમરખાણીયાને સામાન્ય ઇજાઓ થવાથી તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
મળતક ક્રિપાલ ડાભી ગુંદાળા ગામના સરપંચ ગોરધનભાઈ ડાભીના ભત્રીજા થતા હોવાથી આ દુર્ઘટનાના સમાચાર મળતા જ સરપંચ સહિતના પરિવારજનો તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા. મળતક યુવક પોતાના પરિવારમાં એકનો એક દીકરો હતો અને તેની પાછળ એક દીકરો તથા એક દીકરી મૂકીને અકાળે કાળનો ભોગ બનતા બે નાના સંતાનો પરથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે. આ કરુણ ઘટનાને પગલે પરિવારમાં અને ગુંદાળા ગામમાં ભારે આક્રંદ સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
