News of Tuesday, 30th June 2026
વારેઘડીએ મોબાઇલ ફોનથી વિડીયો ઉતારતાં જેઠને ઠપકો દેતાં શોભનાબેન પર હુમલો
રાજકોટના જામગઢનો બનાવઃ મીણા પુરવાનું કામ કરતાં મહિલા રાજકોટ સારવાર હેઠળઃ કોઇપણ કામ માટે આવે તેના વિડીયો ઉતારતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૩૦: કુવાડવા તાબેના જામગઢમાં રહેતાં વિધવા મહિલાને બાજુમાં જ એક ફળીયે રહેતાં જેઠ સહિતનાએ ઢકીાપાટુનો બેફામ માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. મોબાઇલ ફોનથી જેઠ વિડીયો ઉતારતાં હોઇ આ મામલે માથાકુટ થઇ હતી.
જાણવા મળ્યા મુજબ જામગઢમાં રહેતાં શોભનાબેન ગેલાભાઇ સોલંકી (ઉ.વ.૪૫) સાંજે ઘરે હતાં ત્યારે બાજુમાં જ રહેતાં જેઠ મનુભાઇ સોલંકી સહિતનાએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
શોભનાબેને કહ્યું હતું કે મારા પતિ અગીયાર વર્ષ પહેલા અવસાન પામ્યા છે. મારે સંતાનમાં એક દિકરો અને પાંચ દિકરી છે. અમે ઘરે બેઠા દાગીનામાં મીણા પુરવાનું, વેક્સનું કામ કરીએ છીએ આ કારણ કામ માટે થઇને લોકો અમારી ઘરે આવ-જા કરતાં રહે છે. અમારા ફળીયામાં જ અમારા જેઠ મનુભાઇના મકાનની બારી પડતી હોઇ તેઓ દિવસભર બારીએ બેઠા રહે છે અને ગમે તેના વિડીયો મોબાઇલ ફોનથી ઉતારતા રહે છે. અમારા ઘરના સભ્યોના તો ઠીક, મીણાનું કામ લેવા-દેવા આવતાં લોકોના પણ તે વિડીયો ઉતારી લેતાં હોઇ તેને આવુ કરવાની ના પાડી સમજાવતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
