<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

બાંગ્લાદેશે સ્વીકાર ન કર્યો એ જહાજ 'ઝેરી પાવડર' સાથે અલંગ આવ્યું : GPCB ની ગંભીર બેદરકારીનો RTI માં ખુલાસો

ઝેરી કેમિકલ ભરેલું જહાજ અલંગ શિપયાર્ડમાં બ્રેકિંગ માટે લંગારાયું, નિયમો નેવે મૂકીને મંજૂરી આપ્યાનો આરોપ, પર્યાવરણ પ્રેમીઓમાં રોષ

ભાવનગર / અલંગ તા.૨૨ : વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. બાંગ્લાદેશે જે જહાજને ઝેરી અને જોખમી કચરો હોવાના કારણે સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો, તે જ જહાજ હવે ગુજરાતના અલંગ શિપયાર્ડ ખાતે આવી પહોંચ્યું છે અને તેને બ્રેકિંગની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ સમગ્ર મામલે GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) ની ગંભીર બેદરકારી સામે આવી છે, જેનો ખુલાસો એક RTI માં થયો છે.

RTI એક્ટિવિસ્ટ દ્વારા મેળવેલી માહિતી મુજબ, આ જહાજમાં હજારો ટન ઝેરી પાવડર અને અન્ય જોખમી કેમિકલ્સ હોવાનું સામે આવ્યું છે. નિયમ મુજબ કોઈપણ જહાજને અલંગમાં લાવતા પહેલા તેનું ઈન્વેન્ટરી સર્ટિફિકેટ, હેઝાર્ડસ મટિરિયલની તપાસ અને ડિકોન્ટામિનેશન સર્ટિફિકેટ ફરજિયાત છે. પરંતુ RTI મુજબ GPCB અને GMB એ યોગ્ય ચકાસણી કર્યા વિના જ જહાજને અલંગના કિનારે લાંગરવાની પરવાનગી આપી દીધી હતી.

બાંગ્લાદેશની કોર્ટે આ જ પ્રકારના ઝેરી જહાજો પર પ્રતિબંધ મૂક્યો છે અને ત્યાંની સરકારે આ જહાજને પર્યાવરણ માટે ખતરારૂપ ગણાવીને પરત મોકલ્યું હતું. ત્યારબાદ આ જહાજ સીધું અલંગ આવ્યું હોવાનું સામે આવ્યું છે.

નિયમો અનુસાર GPCB ની ટીમે દરિયામાં જઈને જહાજની અંદર રહેલા ઝેરી પદાર્થોની તપાસ કરવી પડે છે અને ત્યારબાદ જ ડિકોન્ટામિનેશન સર્ટિફિકેટ આપવામાં આવે છે. પરંતુ આ કિસ્સામાં આવી કોઈ તપાસ કરવામાં આવી ન હોવાનું અને માત્ર કાગળ પર જ મંજૂરી આપી દેવાયાનું RTI માંથી બહાર આવ્યું છે.

અલંગમાં આવા ઝેરી જહાજોના બ્રેકિંગથી કામદારોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે અને દરિયાઈ પર્યાવરણ પણ પ્રદૂષિત થાય છે. અગાઉ પણ અલંગમાં એસ્બેસ્ટોસ અને તેલયુક્ત કચરાવાળા અનેક જહાજો આવી ચૂક્યા છે.

પર્યાવરણવાદીઓએ આ મામલે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર પાસે તટસ્થ તપાસની માંગ કરી છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

(5:44 PM IST)