તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
હાથલા શ્રી શનિદેવ મંદિરે શનિદેવ જયંતિની ભવ્યતાથી ઉજવણીઃ ભાવિકોની ભીડ
એક-એક કિ.મી.ની લાઇનો લાગીઃ વહિવટી તંત્ર અને પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના હાથલા ગામે ભાણવડ તાલુકામાં સમગ્ર દેશમાં શનિદેવના જન્મ સ્થાનની પ્રાચીન પ્રતિમાના દર્શન કરવા પનોતી દેવીના દર્શન કરવા તથા પનોની ઉતારવા માટે રાત્રે બાર વાગ્યાથી જ ભાવિકો ઉમટી પડયા હતાં.
આજે વહેલી સવારે ચાર વાગ્યાથી જ ભાવિકો કતારો લગાવીને દર્શને ઉમટયા હતા તથા વિશેષદિન શનિ જયંતિ હોય પૂજા દર્શન તથા નૂતન ધ્વજારોહણ યજ્ઞ હવન તથા પ્રસાદીની વિશેષ વ્યવસ્થા પણ યોજાઇ હતી. શનિદેવ સેવા ટ્રસ્ટ તથા પુજારીઓ વિનોદપુરી ગોસ્વામી, નીરવપુરી ગોસ્વામી તથા હિતેશપુરી ગોસ્વામી દ્વારા તથા તંત્ર દ્વારા પણ જિલ્લા કલેકટર દ્વારા અગાઉથી જ મીટીંગ ગોઠવીને ડેપ્યુટી કલેટકર તથા ડી. વાય. એસ. પી. તથા ભાણવડ પોલીસ ઇન્સ્પેકટર દ્વારા ચુસતક વ્યવસ્થા સાથે લોકોને દર્શનના સ્થળે ઉપર છાયો નીચે પણ તપે નહીં તે માટે પણ પાથરણાની વ્યવસ્થા તથા લાઇનમાં ભકતો દર્શન કરે. તેવી વ્યવસ્થા કરાઇ હતી. તથા પીવાનું પાણી તથા પ્રસાદી અને આરોગ્ય તંત્ર દ્વારા મેડીકલની પણ વ્યવસ્થા થઇ છે.
શનિ જયંતિના દિને ચપ્પલ, બુટ, (પનોતી) ઉતારવાનું ખુબ જ મહત્વ હોય સવારથી પગરખાના ઢગલા થઇ ગયા હતાં.
આજે કેદાર રાજયોગ
જયોતિષ શાષાની દૃષ્ટિએ આજે કેદાર રાજયોગ શનિ જયંતિના પ૦ વર્ષે થયો છે. જેમાં સાતેય ગ્રહો સાત ભાવોમાં હોય અને આ યોગમાં શનિદેવની પૂજા ખુબ જ લાભદાયી માનવામાં આવે છે. આજે અમાસ સાથે શનિવાર અને શનિ જયંતિ હોય ભાવિકો દૂર દૂરની અહીં ઉમટી પડયા છે.
રાત્રે લોકડાયરો
શ્રી શનિદેવ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ‘લોક ડાયરા'નું આયોજન કરવામાં આવ્યું છે. આજે શનિવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે હાથલા સ્થિત શ્રી શનિદેવ મંદિરના પટાંગણમાં આ સાંસ્કળતિક કાર્યક્રમ યોજાશે.
જન્મ જયંતિની ઉજવણીને વધુ ભક્તિમય બનાવવા માટે આ ડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. પ્રખ્યાત લોક સાહિત્યકાર રાજભા ગઢવી પોતાની આગવી શૈલીમાં શનિદેવ મહારાજના મહિમાની વાતો, સંતવાણી અને લોકસાહિત્યના રસથાળ રેલાવશે. તેમની સાથે સુપ્રસિદ્ધ લોકગાયિકા ભૂમિબેન આહીર શનિદેવના ભજન અને લોકગીતોની રમઝટ બોલાવીને વાતાવરણને ભક્તિના રંગે રંગી દેશે.
આ પ્રસંગે જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ૮૧-ખંભાળીયા-ભાણવડના ધારાસભ્ય મુળુભાઈ બેરા, ૮૨-દ્વારકા-કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા માણેક સહિતના ઉપસ્થિત રહેશે.
શનિદેવ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે યોજાનારા ડાયરામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે તેવી શકયતા છે. આયોજકો દ્વારા સૌ ભાવિકોને લોકડાયરાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
તંત્રની સુંદર વ્યવસ્થા
મોટી સંખ્યામાં આવનારા ભાવિકોને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં દર્શન માટે પુરુષો અને મહિલાઓની અલગ કતારો, બેરિકેટિંગ, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ વાહનો માટે સુવ્યવસ્થિત ર્પાકિંગની સુવિધા ઉભી કરાતા ભક્તોને દર્શનમાં કોઈ અગવડ પડી ન હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્તને કારણે સમગ્ર વ્યવસ્થા શાંતિપૂર્ણ રીતે જળવાઈ રહી હતી.
પનોતીના પગરખાંના ઢગલા
શનિ અમાસ અને કેદાર રાજયોગના દિવસે શનિદેવને પનોતી ઉતારવાની પરંપરા મુજબ હજારો ભક્તોએ મંદિર બહાર પોતાના જૂના પગરખાં, ચંપલ અને ચામડાની વસ્તુઓનો ત્યાગ કર્યો હતો. જેના કારણે મંદિરની બહાર પનોતીના પગરખાંના ઢગલા જોવા મળ્યા હતા. ભક્તોએ તેલ અભિષેક, કાળા તલ અને અડદના દાન સાથે શનિદેવની વિધિવત પૂજા-અર્ચના કરી હતી.
માન્યતા છે કે શનિ જયંતિના દિવસે કેદાર રાજયોગમાં શનિદેવની આરાધના કરવાથી સાડાસાતી, ઢૈયા અને પનોતીની અસર ઓછી થાય છે. આ દુર્લભ યોગનો લાભ લેવા માટે જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં વાહનોનો કાફલો હાથલા પહોંચ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભકતો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
