તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
કચ્છના નીલપર ગામે કન્યા છાત્રાલયમાં આચાર્ય દ્વારા સગીર વિદ્યાર્થીની સાથે જાતીય સતામણીના આક્ષેપથી ખળભળાટ
પ્રેગ્નન્સી ટેસ્ટ કિટના મુદ્દે મામલો ગરમાયો : ચકચાર બાદ ગુમ થયેલા આચાર્ય વિપુલ ગોહિલને ફરજ પરથી કરાયા મુક્ત, પ્રાથમિક જિલ્લા શિક્ષણ કચેરીના આદેશે તપાસ શરૂ, પોલીસ તપાસનો ધમધમાટ : પીડિત બાળકીના સમાજની મહાપંચાયત મળી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ : કચ્છના રાપર તાલુકાના નીલપર ગામે આવેલી ગ્રામ સ્વરાજ સંઘ સોન ટેકરી સંચાલિત સુશીલ કન્યા છાત્રાલયમાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી ૧૩ વર્ષની સગીરા સાથે જાતીય સતામણી અને શોષણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપોથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મામલો સામે આવ્યા બાદ વાલીઓમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, શાળામાં પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન રક્ષાબંધનના બે દિવસ અગાઉ શાળાના મેદાનમાંથી એક શિક્ષિકાને પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ મળી આવી હતી. આ કિટ મળ્યા બાદ શાળાના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.aa CCTV ફૂટેજમાં પ્રેગ્નન્સી કિટ ઇનચાર્જ આચાર્ય વિપુલભાઈ ગોહિલના ખિસ્સામાંથી નીચે પડી હોવાનું જોવા મળ્યું હોવાની માહિતી સામે આવી છે.
*આચાર્યને સંસ્થાએ ફરજ પરથી હટાવ્યા*
મામલો ગંભીર બનતા સંસ્થા દ્વારા તા. ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ઇનચાર્જ આચાર્ય વિપુલભાઈ ગોહિલને શિસ્તભંગના પગલે ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. મામલો પ્રકાશમાં આવ્યા બાદ આચાર્ય છેલ્લા કેટલાક દિવસોથી શાળા અને સંસ્થાથી દૂર હોવાનું પણ જાણવા મળે છે.
*પ્રાથમિક જિલ્લા શિક્ષણ કચેરીએ તપાસના આદેશ આપ્યા*
મામલો શિક્ષણ વિભાગના ધ્યાને આવતા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ ઘટના અંગે માહિતી મળ્યા બાદ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાની હકીકત જાણવા તપાસ કમિટી બનાવવામાં આવી છે. તપાસ ટીમ દ્વારા સુશીલ શિશુ શાળા, નીલપરની રૂબરૂ મુલાકાત લઈ જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે. આક્ષેપોની ગંભીરતાને પગલે હવે તપાસ ટીમના તારણો મહત્વપૂર્ણ બની રહ્યા છે.
*વાલીઓમાં ભારે રોષ, પોલીસ થઈ દોડતી*
આ ઘટના સામે આવ્યા બાદ વાલીઓ અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક વાલીઓએ પોતાની દીકરીઓના નામ શાળા તથા છાત્રાલયમાંથી કમી કરાવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. દરમિયાન, સમગ્ર મામલો ગરમાયા બાદ પોલીસ દોડતી થઈ છે. રાપર પીઆઈ અને પોલીસ ટીમ એ નીલપર સ્થળની મુલાકાત લઈ નિવેદનો નોંધ્યા હોવાનું જાણવા મળે છે. સગીરા સાથે સંબંધિત ગંભીર આક્ષેપો હોવાથી પોલીસ દ્વારા સમગ્ર મામલામાં કરાયેલી પ્રાથમિક તપાસ ઉપરાંત હવે શિક્ષણ વિભાગની તપાસમાં શું હકીકત બહાર આવે છે, CCTV સહિતના પુરાવાઓની તપાસમાં શું સામે આવે છે અને પોલીસ સ્તરે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં—તેના પર સમગ્ર પંથકની નજર મંડાઈ છે.
દરમ્યાન પીડિત બાળકીના સમાજની મહાપંચાયત મળી હતી અને આ મામલે પોલીસ ફરિયાદ કરવાની સાથે હવસખોર આચાર્ય સામે કાયદેસર કડક પગલાં ભરાય એવી માંગ કરવામાં આવી છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
