<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં ભારે પલટો: દ્વારકાના દરિયામાં ભારે કરંટ : તોફાની પવનને કારણે કાંઠા પર જોશભેર અથડાતા મોજા

દરિયાની બદલાયેલી સ્થિતિને પગલે સ્થાનિક માછીમારો અને કિનારાના રહીશોમાં પણ સાવચેતીનો માહોલ :અરબી સમુદ્ર તોફાની બનતા જ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની વ્યાપક અસરના કારણે દ્વારકા અને તેની આસપાસનો દરિયો અત્યંત તોફાની બન્યો છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને તીવ્ર વેગ સાથે ફૂંકાતા તોફાની પવનને કારણે મોજા દરિયાકાંઠા પર જોરભેર અથડાઈ રહ્યા છે.

પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની સૌથી વધુ અસર પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ ગાંધવીના દરિયાકાંઠે જોવા મળી રહી છે. અહીં સમુદ્રમાં કરંટ વધવાના કારણે પ્રચંડ મોજા ઉછળી રહ્યા છે. દરિયાની આ બદલાયેલી સ્થિતિને પગલે સ્થાનિક માછીમારો અને કિનારાના રહીશોમાં પણ સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 અરબી સમુદ્ર તોફાની બનતા જ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દ્વારકા જગત મંદિર અને આસપાસના ઘાટ પર મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ દરિયા કિનારાથી સુરક્ષિત અંતર જાળવી રાખે અને દરિયામાં ન્હાવા જવાનું સાહસ બિલકુલ ન કરે. હવામાન વિભાગની ગાઈડલાઈન્સ મુજબ આગામી દિવસોમાં પવનની ગતિ હજુ વધી શકે છે, જેને પગલે તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.

(9:04 PM IST)