<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલી એસ.કે. રેસ્ટોરન્ટમાં નોનવેજ જમ્યા બાદ સાત લોકોની તબિયત લથડી : ફૂડ પોઈઝનિંગની આશંકાએ તંત્ર દ્વારા હોટલ સીલ

ચિકન શાવરમા અને ફ્રાઈડ રાઈસ ખાધા બાદ લોકોની તબિયત બગડતાં વિવિધ હોસ્પિટલોમાં કરાયા દાખલ : ફૂડ વિભાગે નમૂના લઈ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર : જામનગર શહેરમાં ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના આરોગ્ય સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના પાંચ હાટડી વિસ્તારમાં ધમધમતી એસ.કે. રેસ્ટોરન્ટમાં નોનવેજ ભોજન આરોગ્યા બાદ અંદાજે સાત જેટલા લોકોની તબિયત અચાનક લથડી જવાની ઘટના બની છે. રેસ્ટોરન્ટમાં ચિકન શાવરમા અને ફ્રાઈડ રાઈસ જેવા ખાદ્ય પદાર્થો ખાધા બાદ આ તમામ લોકોને ગંભીર ફૂડ પોઈઝનિંગ થયાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાંચ હાટડી વિસ્તારની આ રેસ્ટોરન્ટમાં ભોજન લીધા ટૂંક સમયમાં જ કેટલાક ગ્રાહકોને પેટમાં દુખાવો, ઉલટી અને ચક્કર આવવા જેવી તબિયતની ગંભીર તકલીફો સર્જાઈ હતી. પરિસ્થિતિ વણસતા તેમને તાત્કાલિક ધોરણે શહેરની અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સદભાગ્યે, હાલ સારવાર હેઠળ રહેલા તમામ દર્દીઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. એકસાથે અનેક લોકોની તબિયત લથડવાની આ ગંભીર સૂચના મળતા જ સ્થાનિક આરોગ્ય તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયો હતો.

ફૂડ વિભાગની સઘન તપાસ અને કડક કાર્યવાહી:
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક એસ.કે. રેસ્ટોરન્ટ પર પહોંચીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પર ખાદ્ય સામગ્રીની ગુણવત્તા શંકાસ્પદ જણાતા તેમજ રેસ્ટોરન્ટ પરિસરમાં સ્વચ્છતા અને હાઇજેનિક ધોરણોનું યોગ્ય પાલન થતું ન હોવાનું પકડાતા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. ફૂડ વિભાગે તાત્કાલિક ધોરન્ટ રેસ્ટોરન્ટનો વેચાણ વ્યવહાર બંધ કરાવીને દુકાનને સીલ કરી દીધી છે. આ ઉપરાંત, રેસ્ટોરન્ટમાંથી ખાવા-પીવાની ચીજવસ્તુઓના નમૂનાઓ (સેમ્પલ) મેળવીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSSA) ની કડક જોગવાઈઓ હેઠળ આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ આ મામલે વધુ ખુલાસાઓ સામે આવશે, પરંતુ આ ઘટનાએ બહાર ખાણીપીણીની ચીજવસ્તુઓ ખરીદતા શહેરીજનોની સુરક્ષા સામે ફરી એકવાર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો છે. (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(5:54 PM IST)