<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

મોરબીમાં અતિભારે વરસાદ વચ્ચે મહાનગરપાલિકાના પદાધિકારીઓની સેવાકીય કામગીરી : અસરગ્રસ્ત વિસ્તારોમાં ૫૦૦થી વધુ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું

ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, માર્કેટ સમિતિ ચેરમેન ભાવિનભાઈ ધેલાણી સહિત પદાધિકારીઓએ જલારામ મંદિરના સહયોગથી કમલા પાર્ક, ઋષભ નગર અને ગ્રીન પાર્ક સોસાયટીના રહીશોની મુશ્કેલીઓ સાંભળી મદદ પૂરી પાડી

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબી શહેરમાં પડેલા અતિભારે વરસાદના કારણે અનેક રહેણાંક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે સામાન્ય જનજીવનને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં પ્રજાની વારે આવતા મોરબી મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સ્થાનિક નેતાઓ દ્વારા સરાહનીય સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

અતિવૃષ્ટિથી પ્રભાવિત થયેલા નાગરિકોની મદદ અર્થે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા તથા માર્કેટ સમિતિના ચેરમેન ભાવિનભાઈ ધેલાણી પોતે મેદાનમાં ઉતર્યા હતા. સ્થાનિક કોર્પોરેટરો, ભાજપના કાર્યકરો તેમજ શ્રી જલારામ મંદિરના વિશેષ સહયોગથી યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

 

આ માનવતાવાદી સેવા યજ્ઞ અંતર્ગત મોરબીના વોર્ડ નંબર ૫ માં આવેલી કમલા પાર્ક, ઋષભ નગર અને ગ્રીન પાર્ક સોસાયટી જેવા વરસાદી પાણીથી ભારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ૫૦૦થી પણ વધુ જરૂરિયાતમંદ અને પાણીમાં ફસાયેલા લોકોને રૂબરૂ પહોંચીને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે પદાધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ પર મુલાકાત લઈને સ્થાનિકોની મુશ્કેલીઓ સાંભળી હતી અને આ સહેજ પણ ડગ્યા વગર આ મુશ્કેલ સમયમાં મહાનગરપાલિકા તથા સમગ્ર સંગઠન નાગરિકોની સાથે જ હોવાની ખાતરી આપી હતી. મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને જલારામ મંદિરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલી આ ત્વરિત અને માનવતાવાદી કામગીરીને સ્થાનિક રહીશોએ હૃદયપૂર્વક બિરદાવી ભારે સરાહના કરી હતી.

(11:57 PM IST)