<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

જસદણની આલ્ફા હોસ્ટેલની ગંભીર બેદરકારી: ભાવનગરની 9 વર્ષની માસૂમ દીકરી આયુષીનું મોત

શીતળા અને તાવની બીમારી છુપાવી સંચાલકોએ પરિવારને જાણ કરી નહોતી. તબિયત લથડતા તેને રાજકોટ સિવિલ ખસેડાઈ જ્યાં તે મૃત જાહેર કરી

જસદણમાં આવેલી આલ્ફા હોસ્ટેલ અને ટ્રેનિંગ સેન્ટરની ઘોર બેદરકારીના કારણે એક 9 વર્ષની માસૂમ દીકરી આયુષીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સેન્ટરમાં સૈનિક સ્કૂલ તેમજ નવોદય સ્કૂલની પ્રવેશ પરીક્ષાઓ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. હોસ્ટેલના કડક નિયમોના કારણે માસૂમ બાળકીને તેના માતા-પિતા સાથે વાત પણ કરવા દેવામાં આવતી નહોતી, જે આખરે બાળકી માટે કાળ સાબિત થઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરના વતની એવા પરિવારે ગત એપ્રિલ મહિનામાં જ પોતાની વ્હાલસોયી દીકરી આયુષીનું એડમિશન આ હોસ્ટેલમાં કરાવ્યું હતું. હોસ્ટેલ સંચાલકોના જણાવ્યા મુજબ, આયુષીને થોડા દિવસો પહેલા શીતળા નીકળ્યા હતા અને સતત તાવ આવતો હતો. આટલી ગંભીર બીમારી હોવા છતાં, હોસ્ટેલ સત્તાધીશોએ તેના માતા-પિતાને જાણ કરવાની તકલીફ લીધી નહોતી. સંચાલકોએ એવો દાવો કર્યો હતો કે આયુષી સાજી થઈ ગઈ હતી, પરંતુ તેમની આ દલીલ ગળે ઉતરે તેવી નથી.

આજરોજ તારીખ 24-06-2026 ના રોજ બપોરે અચાનક આયુષીની તબિયત અત્યંત લથડી ગઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સ્થિતિ ગંભીર જણાતા તબીબોએ તેને રાજકોટ રિફર કરી હતી. રાજકોટની સિનર્જી હોસ્પિટલ માં લઈ જવામાં આવતા ત્યાંના તબીબોએ બાળકીની ગંભીર સ્થિતિ જોઈને સિવિલ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું. આખરે જ્યારે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ  લાવવામાં આવી, ત્યારે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

બપોરે હોસ્ટેલ તરફથી આયુષીના પિતાને ફોન કરીને માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે, "તમારી દીકરીની તબિયત ખરાબ છે, તમે તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચો." જ્યારે દીકરીના પિતા હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે માસૂમ આયુષીનો મૃતદેહ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ અવાચક થઈ ગયા હતા.

(12:31 AM IST)