તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
કાલાવડના મણવર ખીજડિયા ગામની સરકારી શાળામાં ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના : મધ્યાહન ભોજનમાં રસ-પૂરી ખાધા બાદ ૧૦થી વધુ માસૂમ બાળકો ઝેરી અસર થતાં હોસ્પિટલ ભેગા થયા
સરકારી હોસ્પિટલના બિછાને બાળકો જિંદગીની જંગ લડી રહ્યા છે છતાં શાળા તંત્ર ઉદાસીન : ઘટનાના ચોવીસ કલાક બાદ પણ કોઈ જવાબદાર ડોકિયું કરવા ન આવતા પીડિત વાલીઓમાં વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ

કાલાવડ:જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મણવર ખીજડિયા ગામમાંથી સરકારી તંત્રની ઘોર બેદરકારી અને માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સાથે થતા ગંભીર ચેડાંનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામની સરકારી શાળામાં સરકારની મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પીરસવામાં આવેલું ખાવાનું ખાધા બાદ અંદાજે ૧૦ જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓને ઝેરી અસર (ફૂડ પોઇઝનિંગ) થઈ છે. ભોજન લીધાની ગણતરીની મિનિટોમાં જ બાળકોની તબિયત લથડતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. તમામ અસરગ્રસ્ત અને પીડિત બાળકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આટલી મોટી દુર્ઘટના ઘટી હોવા છતાં શાળા વહીવટીતંત્ર કે મધ્યાહન ભોજનના સંચાલકો તરફથી હજુ સુધી કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોસ્પિટલ ખાતે બાળકોની સ્થિતિ જાણવા કે વાલીઓને મળવા ન પહોંચતા સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે.
રસ, પૂરી અને બટાકાનું શાક ખાધાના થોડી જ વારમાં ઊલટી-ઝાડા શરૂ થયા:
પ્રાપ્ત વિગતો અનુસાર, મણવર ખીજડિયા ગામની સરકારી શાળામાં બાળકોને રોજિંદા નિયમ મુજબ મધ્યાહન ભોજન આપવામાં આવ્યું હતું. તે દિવસના મેનૂ પ્રમાણે બાળકોને રસ, પૂરી અને બટાકાનું શાક પીરસાયું હતું. આ ભોજન આરોગ્યાના થોડા જ સમયમાં એકપછી એક બાળકોની પ્રકૃતિ બગડવા લાગી હતી. આશરે ૧૦ જેટલા બાળકોને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને સતત ઊલટી-ઝાડાની ગંભીર તકલીફ શરૂ થઈ ગઈ હતી. શાળા પરિસરમાં જ બાળકોની સ્થિતિ વધુ વણસતી જોઈને આસપાસના જાગૃત નાગરિકો અને દોડી આવેલા વાલીઓએ તાત્કાલિક ખાનગી વાહનો દ્વારા તમામ અસરગ્રસ્ત બાળકોને કાલાવડની સરકારી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા, જ્યાં હાલ ડોક્ટરોની વિશેષ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે તેમની સારવાર કરવામાં આવી રહી છે.
ગઈકાલ સાંજથી બાળકો રિબાઈ રહ્યા છે: પીડિત પિતાની હૈયાવરાળ:
હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા એક માસૂમ બાળકના પિતાએ મીડિયા સમક્ષ પોતાનો બળાપો અને હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, "શાળામાં મધ્યાહન ભોજનનું જમણ જમ્યા બાદ જ ગઈકાલ સાંજથી જ બાળકોની તબિયત એકાએક બગડવાની શરૂઆત થઈ ગઈ હતી. બાળકોને અચાનક જ ગંભીર ઊલટી-ઝાડા ઉપડતા આખું કુટુંબ ગભરાઈ ગયું હતું અને તાબડતોબ હોસ્પિટલ દોડવું પડ્યું હતું." વાલીઓના આક્ષેપ મુજબ, મધ્યાહન ભોજન રાંધવામાં વાપરવામાં આવેલી સામગ્રીની અત્યંત નબળી ગુણવત્તા અથવા તો રસોડામાં રાખવામાં આવતી અસ્વચ્છતા અને ગંદકી જ આ જીવલેણ ફૂડ પોઇઝનિંગનું મુખ્ય કારણ છે.
સાંજથી બાળકો હોસ્પિટલમાં છે છતાં તંત્ર સરભર, સેમ્પલ લેબોરેટરીમાં મોકલાશે:
આ સમગ્ર દુર્ઘટનામાં સૌથી વધુ આઘાતજનક અને શરમજનક બાબત શાળા પ્રશાસનનું સંવેદનહીન વલણ રહ્યું છે. વાલીઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, અડધો ડઝનથી વધુ બાળકો હોસ્પિટલમાં દાખલ છે અને સાંજથી તેમની હાલત નાજુક છે, છતાં શાળાના આચાર્ય, શિક્ષકો કે મધ્યાહન ભોજનના કોઈ સંચાલકે હોસ્પિટલ તરફ ડોકિયું કરવાની પણ તસ્દી લીધી નથી. ગરીબ અને ભોળા પશુપાલકો-ખેડૂતોના બાળકોના જીવ જોખમમાં મૂકવા બદલ હવે સ્થાનિકો અને વાલીઓ દ્વારા જવાબદારો સામે કડકમાં કડક ફોજદારી અને કાનૂની પગલાં ભરવાની માંગ બુલંદ બની છે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મધ્યાહન ભોજનના સેમ્પલ લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
