News of Wednesday, 20th May 2026
ભાવનગરના સિહોરના સણોસરા પાસે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત :રંઘોળા ગામના 2 યુવાનોએ જીવ ગુમાવ્યો
કાર અને બાઈક વચ્ચેની આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા પાસે ગત રોજ એક અત્યંત ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રંઘોળા ગામના 2 યુવાનોએ પોતાના જીવ ગુમાવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સણોસરા નજીકથી પસાર થતી એક કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા અકસ્માતની આ ઘટના બની હતી. કાર અને બાઈક વચ્ચેની આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં રંઘોળા ગામના રહેવાસી ધનજીભાઈ જોગદયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે તેમની સાથે રહેલા કિરણભાઈને ગંભીર હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન કિરણભાઈએ પણ અંતિમ શ્વાસ લેતા મૃત્યુઆંક બે પર પહોંચ્યો હતો.
અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસે હોસ્પિટલ ચોકી ખાતે આ અંગે નોંધ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત કયા કારણોસર અને કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મૃતકોના પરિવારજનોમાં અત્યારે આઘાતનું મોજું ફરી વળ્યું છે. .
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
