<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

વેરાવળમાં રાજમાર્ગો -મુખ્ય બજારોમાં પોલીસના ફૂટ પેટ્રોલિંગથી સુરક્ષા સઘન

તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ રૂપે જળવાઈ રહે તે હેતુથી ગીર-સોમનાથ જિલ્લાની વેરાવળ પોલીસ સંપૂર્ણપણે એક્શન મોડમાં

દિવાળીનો તહેવાર અને નૂતન વર્ષ નજીક આવી રહ્યું છે ત્યારે બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. આ તહેવારો દરમિયાન સામાન્ય નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ રૂપે જળવાઈ રહે તે હેતુથી ગીર-સોમનાથ જિલ્લાની વેરાવળ પોલીસ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. દિવાળી અને નૂતન વર્ષ પૂર્વે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને લોકો તહેવારોનો આનંદ ઉત્સાહપૂર્વક તથા નિર્ભય વાતાવરણમાં માણી શકે તે માટે વેરાવળ પોલીસ દ્વારા શહેરમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

વેરાવળ શહેરના મુખ્ય બજારો, ધમધમતા રાજમાર્ગો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ કાફલાએ ફૂટમાર્ચ યોજી હતી. વેરાવળ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જે.એન. ગઢવીની ખાસ આગેવાની હેઠળ પોલીસ જવાનોએ બજારોમાં રૂટ માર્ચ કરી નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરી હતી. તહેવારોના દિવસોમાં અસામાજિક તત્વો, ખિસ્સાકાતરૂઓ કે રોમિયોગીરી કરતા લફંગાઓ સક્રિય ન થાય અને કાયદાનું કડક ભાન થાય તે માટે પોલીસ મેદાનમાં ઉતરી છે. વેરાવળ પોલીસની આ સક્રિયતાથી ખરીદી કરવા માટે નીકળતા વ્યાપારીઓ, મહિલાઓ અને વડીલોમાં ભારે સુરક્ષાની લાગણી પ્રસરતી જોવા મળી રહી છે.

તહેવારોની સીઝનમાં બજારોમાં સોંપો ન પડે અને નાગરિકો કોઈપણ ડર વગર મોડી રાત સુધી ખરીદી કરી શકે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસ વાહનોની સાથેસાથે પોલીસ જવાનોના પાયદળ કાફલા દ્વારા બજારની અંદરની ગલીઓ અને મુખ્ય ચોકઠાઓ પર નજર રાખવામાં આવી રહી છે.

વેરાવળ પોલીસની આ પ્રશંસનીય કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અકબંધ રાખવાનો છે. કોઈપણ પ્રકારની અફવાઓ કે અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ છે. આ ભગીરથ પ્રયાસોને કારણે વેરાવળ શહેરમાં દિવાળી પર્વ શાંતિપૂર્ણ, સુરક્ષિત અને હર્ષોલ્લાસના વાતાવરણમાં ઉજવાઈ રહ્યો છે, જેને સ્થાનિક નાગરિકો અને વ્યાપારીઓ દ્વારા પણ આવકારવામાં આવી રહ્યો છે.

(12:13 AM IST)