તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી નુકસાની અને જનહિતના કાર્યોની સમીક્ષા કરતાં પ્રભારી સચિવ દિલીપ રાણા
કેશોદ, માળિયા હાટીના અને માંગરોળમાં પડેલા ભારે વરસાદ છતાં ‘ઝીરો કેઝ્યુઆલિટી' માટે વહીવટી તંત્રની કામગીરીને બિરદાવીઃ લોકોને ભારે વરસાદથી નુકસાનીનું ધારાધોરણ મુજબ વળતર મળે તે સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ પૂરની સ્થિતિના અસરકારક મેનેજમેન્ટ માટે ડેમ-જળાશયોમાં આવતા વરસાદી પાણીના જથ્થાની આવક અને જાવકનો સુદ્રઢ એક્શન પ્લાન ઘડવા માટે સૂચનાઃ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી અને મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૫: જૂનાગઢ જિલ્લાના પ્રભારી સચિવ દિલીપ રાણાએ જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાનની સાથે જનહિતને સ્પર્શતા શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા સહિતના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં જિલ્લાના માંગરોળ તાલુકામાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ૧૦૦ ટકા કરતાં વધુ વરસાદ પડી જવાથી લોકોના જાન-માલને થયેલા નુકસાનનો અંદાજ મેળવવામાં આવ્યો હતો. પ્રભારી સચિવશ્રીએ લોકોને નુકસાનીનું ધારાધોરણ મુજબ વળતર મળે તે સુનિヘતિ કરવા પણ સૂચના આપી હતી.
પ્રભારી સચિવશ્રીએ ખાસ કરીને કેશોદ, માળિયા હાટીના અને માંગરોળમાં પડેલા ભારે વરસાદના પગલે એક પણ માનવ મળત્યુ થયું ન હતું તેની નોંધ લઈ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.
આ બેઠકમાં ‘‘બેક ટુ સ્કૂલ'' મિશન અંતર્ગત પ્રભારી સચિવશ્રીએ વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે સંદર્ભે તલસ્પર્શી સમીક્ષા કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે જોડાયેલા રહે તે માટે પણ માર્ગદર્શન આપી જરૂરી સૂચનાઓ આપી હતી. વધુમાં, આંગણવાડીના બાળકોમાં પોષણનું સ્તર વધે, જિલ્લાના નાગરિકોને આયુષ્માન કાર્ડથી આવરી લેવાય અને જરૂરિયાતમંદોને આવાસ મળે સહિતની જનહિતની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ પ્રભારી સચિવશ્રીને જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી રાહત-બચાવની કામગીરીથી અવગત કર્યા હતા. મ્યુનિસિપલ કમિશનર શ્રી પ્રભવ જોશીએ જૂનાગઢ શહેરમાં રોડ-રસ્તા, પ્રિ-મોન્સૂન તેમજ આરોગ્યલક્ષી કામગીરીની વિગતો રજૂ કરી હતી.
આ બેઠકના પ્રારંભમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રભારી સચિવ દિલીપ રાણાને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી.એસ. બારડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજા, જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અલ્પેશ સાલવી, જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરચર, પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, માર્ગ અને મકાન પંચાયત તથા સ્ટેટ સહિતના વિવિધ વિભાગના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
