<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

વેરાવળમાં પોલીસ ઉપર હુમલો કરનારા ૪૦ મહિલા-પુરૂષોની શોધખોળ

સ્‍ટેટ મોનિટરિંગ સેલ ઉપર હુમલો થતા પી.એસ.આઇ. સીસોદીયા અને ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૦: વેરાવળમાં જુગાર ક્‍લબ પર રેડ કરનાર એસએમસીની ટીમ ઉપર જુગારીયાઓને છોડાવવા માટે મહિલા પુરુષોના ટોળાએ ખૂની હુમલો કર્યો હતો. પરિસ્‍થિતિ બેકાબૂ બનતા એસએમસીની ટીમે હવામાં એક રાઉન્‍ડ ફાયરિંગ કરી ટોળાને વિખેરી નાંખ્‍યા બાદ બીજા સ્‍થળે પણ ટોળાને વિખેરવા ફાયરિંગ કર્યું હતું આટલા મોટાપાયે જુગાર રમાતો હોવા છતાં સ્‍થાનિક પોલીસ અંધારામાં રહે તે બાબત કોઇ હિસાબે ઉચ્‍ચ અધિકારીઓને ગળે ઉતરે તેવી નથી. જેને કારણે સ્‍થાનિક પોલીસ સામે આકરા પગલાં તોળાઈ રહ્યાના સંકેતો મળ્‍યા છે.

એસએમસીની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે વેરાવળના કોળીવાડા વિસ્‍તારમાં આવેલા ધાબાવાળા મકાનમાં દરોડો પાડ્‍યો હતો. તે વખતે ધાબા પર તાળપત્રી બાંધી લાઈટના અજવાળે જુગારીયાઓ જુગાર રમતાં દેખાયા હતા. એસએમસીની ટીમ ધાબા પર જતાં જુગારીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. અમુક જુગારીયા અગાશી ઉપરથી કૂદી પડ્‍યા હતા. અમુક જુગારીયા બાજુના મકાનની છત અને સીડી વાટે ભાગ્‍યા હતા. જ્‍યારે અમુક જુગારીયા નવા બનતા મકાનની ખુલ્લી બારીઓમાંથી ભાગ્‍યા હતા. આમ છતાં એસએમસીએ અમુક જુગારીયાઓને પકડી ધાબા પર બેસાડી દીધા હતા.

જેની જાણ થતાં જ મહિલા-પુરૂષોનું ટોળું ત્‍યાં ધસી આવ્‍યું હતું. જુગારીયાઓને છોડાવવા માટે આ ટોળાએ લાઈટના કેબલ અને બલ્‍બ તોડી અંધારૂ કરી નાંખ્‍યું હતું. અંધારામાં જ એસએમસીની ટીમ ઉપર ખૂની હુમલો કર્યો હતો. જેને કારણે પીએસઆઈ જે.એચ.સીસોદીયાએ પોતાની પાસે રહેલી ગ્‍લોક પિસ્‍તલમાંથી હવામાં એક રાઉન્‍ડ ફાયરિંગ કર્યું હતું. પરિણામે ટોળાં વિખેરાઈ ગયા હતા.

તત્‍કાળ એસએમસીની ટીમે ગીર-સોમનાથ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં વેરાવળ સિટી પોલીસ મથકનો સ્‍ટાફ દોડી આવ્‍યો હતો. ધીરે-ધીરે પોલીસ સ્‍ટાફવધતો જતાં ટોળામાં હાજર પુરૂષો અને મહિલાઓ અગાસી પરથી નીચે ઉતરી ગયા હતા. તે સાથે જ એસએમસીની ટીમ પણ સ્‍થાનિક પોલીસ સાથે અગાસી પરથી નીચે ઉતરી મકાનના દરવાજા સામે ગલીમાં આવતા ત્‍યાં ઉભેલા ટોળાએ હોબાળો કરી અંધારાનો લાભ લઈ એસએમસી અને પોલીસ ટીમ ઉપર હુમલો કરી તેમને ખેંચી જઈ ટોળાં વચ્‍ચે લઈ ગયા હતા.

તે સાથે જ પીએસઆઈ સીસોદીયાએ ફરીથી પોતાની પિસ્‍તોલમાંથી હવામાં એક રાઉન્‍ડ ફાયરિંગ કરતાં ફરીથી ટોળામાં નાસભાગ મચી ગઈ હતી. ધીરે-ધીરે ટોળું વિખેરાઈ જતાં એસએમસીની ટીમ અર્ને પોલીસ સુરક્ષિત રીતે વેરાવળ સિટી પોલીસ મથકે પહોંચી હતી. જ્‍યાં એસએમસીના એએસઆઈ પરબતભાઈ મકવાણાએ જુગારની રેડમાંથી ભાગી ગયેલા ૨૯ શખ્‍સો સામે નામજોગ અને બાકીના અજાણ્‍યા શખ્‍સો સામે ફરિયાદ નોંધાવી હતી.

બીજી ફરિયાદ પીએસઆઈ સીસોદીયાએ પોતાની ટીમ ઉપર ખૂની હુમલો કરનાર ૪૦ જેટલા મહિલા અને પુરૂષોના ટોળાં સામે નોંધાવી હતી. આ બંને કેસના આરોપીઓને ઝડપી લેવા માટે વેરાવળ પોલીસે દોડધામ આદરી છે.

ગીચ વિસ્‍તારમાં એસએમસીની ટીમે પગપાળા જઈ રેડ કરી

એસએમસીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, તેના સ્‍ટાફને કોળીવાડા ખાતે ગીરીશ જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી, જેથી ખાનગી વાહનોમાં જૂનાગઢથી નીકળી વેરાવળના બસસ્‍ટેન્‍ડ નજીક ટાવર ચોક પાસે પહોંચ્‍યા હતા. જ્‍યાંથી બે પંચો લઈ પગપાળા મોટી કોળીવાડા ખાતે પહોંચ્‍યા હતા. જ્‍યાં જુગાર રમાતો હતો તે મકાનનો દરવાજો ગલીમાં ખુલતો હોવાથી તેમાંથી અંદર પ્રવેશી સીડી વાટે ધાબા પર પહોંચ્‍યા હતા. તે વખતે મકાનનો દરવાજો અંદરની બાજુથી બંધ કરી કડી લગાવી દીધી હતી. બહારના ભાગે વોચ માટે જમાદારને ગોઠવી દીધા હતા. દરોડો પાડયો ત્‍યારે અગાસી પર ઘણાં માણસો બે કુંડાળામાં જુગાર રમતાં હતા. આજુબાજુ બીજા શખ્‍સો ઊભા હતા. તમામને બેસી રહેવાની સૂચના આપી હતી. શરૂઆતમાં પાંચ જુગારીયાઓને પકડી લીધા હતા. તે સાથે જબીજા જુગારીયાઓ ભાગવા જતાં તેમાંથી ચારેક જુગારીયાઓને પોલીસે ઝડપી લીધા હતા. તમામને અગાસી પર બેસાડી દીધા હતા. આ તમામ જુગારીયાઓની પુછપરછ કરતા હતા ત્‍યારે ટોળાંએ જીવલેણ હુમલો કર્યો હતો અને જુગારીયાઓને તેમના કબજામાંથી છોડાવી ગયા હતા. રેડ દરમિયાન ભાગી ગયેલા જુગારીયાઓ જ અન્‍ય પુરૂષો અને મહિલાઓના ટોળા સાથે ધસી આવ્‍યા હતા અને હુમલો કર્યો હતો.

 સ્‍થળ પરથી રોકડ અને ૬ મોબાઈલ ફોન કબજે

જુગારની રેડમાંથી એસએમસીએ રોકડા રૂા. ૨૯,૫૦૦, ૯ મોબાઈલ ફોન, આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, ગંજીપાના વગેરે મળી કુલ રૂા.૫૯,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ સામે જૂગારધારા ઉપરાંત સંગઠીત ગુનાખોરીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

અનેક નામચીન વિસ્‍તારમાં ઘમઘમતા જુગારઘામો

મોટા કોળી વાડા માં જુગારધામ ધમધમતું હોય તેવા અનેક નામચીન વિસ્‍તારોમાં જુગારધામો ધમધમે છે અમુક વિસ્‍તારમાંતો પોલીસ પણ જઈ શકે તેવી સ્‍થિતી નથી ટોળાઓ દ્વારા સીધા હુમલોઓ થાય છે સામાન્‍ય નાગરીક કે કોઈની ફરીયાદ કરવાની પણ હીમત નથી કોંગ્રેસના જીલ્લા પ્રમુખ તેમજ સોમનાથ વિસ્‍તારના ધારાસભ્‍ય દ્વારા અનેક વખત જુગારધામો માટે લેખીત માં ફરીયાદો થયેલ છે કરોડો રૂપીયાનો જુગાર ખુલ્લેઆમ રમાય છે સંકલન કરાવનારા મુખ્‍યસુત્રધારો શહેર નામચીન શખ્‍સો છે તેવો ખુલ્લેઆમ કહે છેકે કાયદો વ્‍યવસ્‍થા ન્‍યાય તંત્ર અમારા હાથ માં છે જે વિસ્‍તારોમાં હજારો શ્રમજીવી પરીવારો મજુર વર્ગ રહે છે તે ગીચ વિસ્‍તારોમાં જુગારધામો ધમધમતા હોય છે તેથી પોલીસ પ્રવેશે તો ગમે ત્‍યારે ટોળુ હુમલો કરી શકે જેની પણ ઉચ્‍ચકક્ષાએ થી તપાસ કરવી જરૂરી.

(11:34 AM IST)