તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
કેશોદની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં છ દાયકા બાદ વિજ્ઞાન પ્રવાહ શરૂ
દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે આશીર્વાદરૂપ, નિઃશુલ્ક સાયન્સ ફેકલ્ટીથી શૈક્ષણિક ત્રિવેણી સંગમ : મોંઘવારીમાં ખાનગી શાળાની તગડી ફી ભરી બહારગામ જવાની મજબૂરીમાંથી મુક્તિ; ક્લાસ-૨ અધિકારી પ્રિન્સિપાલ જ્યોતિબેન રૂપાપરાના માર્ગદર્શન હેઠળ આર્ટ્સ-કોમર્સ બાદ સાયન્સનું શિક્ષણ પણ ઘરઆંગણે, ‘બેટી બચાવો બેટી પઢાવો'ને વેગ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૮: પ્રવર્તમાન મોંઘવારીની સાથે શિક્ષણ પણ મોંઘુ બનતા માતા-પિતા માટે દીકરા-દીકરીને ઉચ્ચ અભ્યાસ કરાવવો મુશ્કેલ બન્યો છે ત્યારે કેશોદની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં છ દશકા બાદ વિજ્ઞાન પ્રવાહ શરૂ થતાં દીકરીઓ માટે આશીર્વાદરૂપ સમાચાર આવ્યા છે. શહેરમાં માત્ર બે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા હોવા છતાં વિજ્ઞાન પ્રવાહ ન હોવાથી વિદ્યાર્થીઓએ તગડી ફી ભરી ખાનગી શાળામાં અથવા બહારગામ જવું પડતું હતું. હવે ક્લાસ-૨ ઓફિસર કમ પ્રિન્સિપાલ જ્યોતિબેન રૂપાપરાના માર્ગદર્શન હેઠળ આર્ટ્સ અને કોમર્સ બાદ સાયન્સનું માધ્યમ પણ નિઃશુલ્ક ઉપલબ્ધ બનતા સરકારી શાળામાં શૈક્ષણિક કાર્યનો ત્રિવેણી સંગમ રચાયો છે.
વર્ષોની માંગણીનો અંત, સરકારે આપી મંજૂરી
કેશોદ ૫૩ ગામડાનું વડુમથક છે અને તાલુકો અંદાજે અઢી લાખની વસ્તી ધરાવે છે. આટલી મોટી વસ્તી છતાં એક પણ સરકારી શાળામાં વિજ્ઞાન પ્રવાહ ન હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીનીઓ વર્ષોથી માંગણી કરી રહ્યા હતા. શિક્ષણ પ્રેમીઓની લાગણીને ધ્યાને લઈ સરકાર દ્વારા ૨૦૨૫-૨૬ના સત્રથી ગર્લ્સ હાઈસ્કૂલને વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી. શાળા સંચાલકોએ તાત્કાલિક અમલવારી કરી અધૂરા સત્રથી જ ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહ B ગ્રુપ શરૂ કર્યું. આગામી ૨૦૨૬-૨૭ના સત્રથી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પણ શરૂ થશે.
નિઃશુલ્ક શિક્ષણ સાથે અનેક સુવિધાઓ
પ્રિન્સિપાલ જ્યોતિબેન રૂપાપરાએ જણાવ્યું કે શાળામાં ધોરણ ૯ થી ૧૨ સુધીનું શિક્ષણ તદ્દન નિઃશુલ્ક આપવામાં આવે છે. ચાલુ વર્ષે વિદ્યાર્થીનીઓની પસંદગીને ધ્યાને લઈ A તથા ગ્ બંને ગ્રુપ શરૂ કરાશે. સરકાર દ્વારા ‘નમો લક્ષ્મી' યોજના હેઠળ ધોરણ ૯-૧૦ની દીકરીઓને વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ અને ધોરણ ૧૧-૧૨ની દીકરીઓને રૂ. ૧૫,૦૦૦ની સહાય મળે છે. ‘નમો સરસ્વતી' યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહની દીકરીઓને કોચિંગ માટે ધોરણ-૧૧માં રૂ. ૧૦,૦૦૦ અને ધોરણ-૧૨માં રૂ. ૧૫,૦૦૦ની સહાય અપાય છે. યુનિફોર્મ, પાઠ્યપુસ્તકો, એસટી બસ પાસ, શૈક્ષણિક પ્રવાસ બધું જ વિનામૂલ્યે છે.
૨.૬૨ કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન બિલ્ડીંગમાં ઠંડા પાણી માટે કુલર, સીસીટીવી, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, સ્ટેમ લેબની સુવિધા છે. કરાટેની તાલીમ, કલા ઉત્સવ, ખેલ મહાકુંભ, સાયબર ક્રાઈમ જાગળતિ જેવી ઇતર પ્રવળત્તિઓ પણ યોજાય છે. શાળાનું ધોરણ-૧૦નું ૯૨્રુ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ૯૦% પરિણામ આવ્યું છે.
આર્થિક રીતે નબળા પરિવારોને રાહત
અત્યાર સુધી વિજ્ઞાન પ્રવાહનો વિકલ્પ ન હોવાથી સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા વાલીઓએ ‘મન મારીને' દીકરીઓને આર્ટ્સ કે કોમર્સમાં દાખલ કરવી પડતી હતી. ડોક્ટર, એન્જિનિયર બનવાનું સ્વપ્ન ચકનાચૂર થતું હતું. હવે ઘરઆંગણે નિઃશુલ્ક સાયન્સ ફેકલ્ટી ઉપલબ્ધ થતાં પ્રતિભાશાળી દીકરીઓને પોતાની તેજસ્વિતા સાબિત કરવા પ્લેટફોર્મ મળ્યું છે.
હાલ શાળામાં ૨૦૭ વિદ્યાર્થીની અભ્યાસ કરે છે. ધોરણ ૯ થી ૧૨માં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારની દીકરીઓએ લાભ લેવા પ્રિન્સિપાલ જ્યોતિબેન રૂપાપરાએ અપીલ કરી છે.
જાણકારોના મતે આજના સ્પર્ધાત્મક યુગમાં ક્વોલિફાઈડ શિક્ષકો અને અત્યાધુનિક સુવિધાઓ સાથે સરકારી શાળાઓ પરિણામ લાવી રહી છે. કેશોદની ગર્લ્સ હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ થવો એ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વાલીઓ અને દીકરીઓ માટે આશીર્વાદરૂપ પગલું છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
