News of Saturday, 27th June 2026
સાવજોને 'આજીવન કેદ'! રાજુલામાં યુવકને ફાડી ખાનારા ૪ નરભક્ષી સિંહો હવે ક્યારેય જંગલમાં નહીં ફરી શકે, આખી જિંદગી શક્કરબાગ ઝૂના પાંજરે વિતાવશે
લેબ રિપોર્ટમાં માનવભક્ષણ સાબિત થતાં વન વિભાગનો ઐતિહાસિક નિર્ણય: ૨ પુખ્ત અને ૨ પાઠડા સિંહોને જંગલમાંથી કાયમ માટે બેદખલ કરાયા, રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગના આદેશ

જૂનાગઢ, : સામાન્ય રીતે શાંત અને માનવજાત સાથે હળીમળીને રહેવા માટે જાણીતા એશિયાટિક સિંહોના વર્તનમાં આવેલા એક ભયાનક બદલાવ બાદ વન વિભાગે કડક અને અભૂતપૂર્વ પગલું ભર્યું છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક એક પરપ્રાંતીય યુવક પર જીવલેણ હુમલો કરી તેને ફાડી ખાનારા ચાર સિંહોને વન વિભાગ દ્વારા 'આજીવન કેદ'ની સજા ફટકારવામાં આવી છે. વૈજ્ઞાનિક તપાસ અને લેબોરેટરી રિપોર્ટમાં આ જ સિંહો ગુનેગાર સાબિત થતાં હવે તેઓ પોતાની બાકીની આખી જિંદગી જૂનાગઢના પ્રખ્યાત શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પાંજરામાં વિતાવશે.
મધ્યરાત્રિએ સીમમાં ખેલાયો હતો લોહિયાળ ખેલ
ચોંકાવનારી ઘટનાની વિગત એવી છે કે, કોવાયા ગામની એક સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો પરપ્રાંતીય યુવક મોડી રાત્રે કોઈ કારણોસર બહાર નીકળ્યો હતો. આ દરમિયાન સીમ વિસ્તારમાં શિકારની શોધમાં ફરેલા સિંહ પરિવારે તેના પર તરાપ મારી હતી. સિંહણ યુવકને ઘસડીને અંધારામાં સીમ તરફ લઈ ગઈ હતી, જ્યાં ચારેય સિંહોએ ભેગા મળીને માસૂમ યુવકને ફાડી ખાધો હતો. આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો અને વન વિભાગની કામગીરી સામે રોષ ફાટી નીકળ્યો હતો.
આ ભયાનક નરભક્ષી ઘટના બાદ રાજુલા રેન્જ વન વિભાગ તાત્કાલિક સુપર એક્શન મોડમાં આવ્યું હતું. રેડિયો કોલર અને ટ્રેકર્સની મદદથી લોકેશન ટ્રેસ કરીને વન વિભાગે ઘટનાસ્થળની આસપાસથી ૨ પુખ્ત સિંહો અને ૨ પાઠડા (યુવાન સિંહો) સહિત કુલ ૪ વનરાજને પાંજરે પૂર્યા હતા. ત્યારબાદ તેમના મળ (Fecal) અને અન્ય સેમ્પલ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતા, જેમાં માનવ માંસ ખાધું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ હતી.
વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન
આ ગંભીર દુર્ઘટના અંગે પ્રતિક્રિયા આપતા વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, "એશિયાટિક સિંહો સામાન્ય રીતે માનવ સંઘર્ષ ટાળતા હોય છે અને તેમનો આવો હિંસક સ્વભાવ હોતો નથી. પરંતુ ક્યારેક લોહી ચાખવાને કારણે, એકલતા કે વર્તણૂકના અણધાર્યા બદલાવને લીધે આવી કમનસીબ ઘટનાઓ બને છે. માનવજીવનની સુરક્ષા આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે."
જંગલમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ
વન મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરી ન બને તે માટે અમરેલીના કોસ્ટલ બેલ્ટ અને રાજુલા વિસ્તારમાં વન વિભાગના ટ્રેકર્સની સંખ્યા બમણી કરી દેવામાં આવી છે. વનકર્મીઓને 'રાઉન્ડ-ધ-ક્લોક' એટલે કે ૨૪ કલાક સઘન પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવાના આદેશ આપી દેવાયા છે.
વન વિભાગે સ્થાનિક લોકોને પણ અપીલ કરી છે કે તેઓ મોડી રાત્રે સીમ વિસ્તારોમાં એકલા બહાર નીકળવાનું ટાળે અને વન વિભાગની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે. આ ૪ સિંહોને કાયમ માટે વન્ય સૃષ્ટિમાંથી દૂર કરી દેવાતા સ્થાનિક મજૂરો અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ સાવજો કાયમ માટે કેદ થઈ જતાં વન્યજીવ પ્રેમીઓમાં આ ચિંતાનો વિષય બન્યો છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
