<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

પર્યાવરણ બચાવો...બાપ્‍પા લાવો... રાજુલા-જાફરાબાદ-ખાંભામાં ઈકો ફ્રેન્‍ડલી ગણપતિ મહોત્‍સવનું આયોજનઃ અંબરીશભાઈ ડેરની અનોખી પહેલ

૯૮ વિધાનસભા વિસ્‍તારમાં પૂર્વ ધારાસભ્‍ય દ્વારા માટીની મૂર્તિઓનું વિતરણ કરાશેઃ પીઓપીને ટાળી પ્રકૃતિ બચાવવાનો સંદેશઃ મૂર્તિ સ્‍થાપના માટે સંપર્ક નંબર જાહેર

(જગદીશ ઝાખરા દ્વારા) રાજુલા તા.૯: આગામી તા. ૧૪ સપ્‍ટેમ્‍બરના રોજ ગણેશ ચતુર્થીના પાવન પર્વની દેશભરમાં ઉજવણી થશે. ઠેર ઠેર ગણપતિ બાપ્‍પાની સ્‍થાપના કરવામાં આવશે, ત્‍યારે ધાર્મિક આસ્‍થા સાથે પર્યાવરણનું જતન થાય તે હેતુથી રાજુલા-જાફરાબાદ-ખાંભા વિસ્‍તારમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે.

પૂર્વ ધારાસભ્‍ય  અંબરીશભાઈ ડેર અને તેમના મિત્ર મંડળ દ્વારા ઈકો ફ્રેન્‍ડલી ગણપતિ મહોત્‍સવ-૨૦૨૬નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવ ૯૮- રાજુલા-જાફરાબાદ-ખાંભા વિધાનસભા વિસ્‍તારમાં યોજાશે.

પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્‍યે જાગૃતિનો સંદેશ લોકો સુધી પહોંચાડવાના હેતુથી આ મહોત્‍સવ અંતર્ગત પર્યાવરણને અનુકૂળ શુદ્ધ માટીના ગણેશજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે.

સામાન્‍ય રીતે બજારમાં પ્‍લાસ્‍ટર ઓફ પેરિસ (POP) અને માટી એમ બંને પ્રકારની મૂર્તિઓ મળે છે. પરંતુ POP ની મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળતી નથી અને નદી-તળાવના પાણીને પ્રદુષિત કરે છે. તેમાં વપરાતા કેમિકલ અને હાનિકારક રંગોથી જળચર જીવો અને પાણીની ગુણવત્તાને ભારે નુકસાન થાય છે.

જ્‍યારે ઈકો ફ્રેન્‍ડલી માટીની મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે અને તેમાં વોટર કલર કે પ્રાકૃતિક રંગો વપરાય છે જે સંપૂર્ણ સુરક્ષિત છે. આથી ભક્‍તિની સાથે પ્રકૃતિની રક્ષા પણ થાય છે.

આ આયોજનનો મુખ્‍ય ઉદ્દેશ ધાર્મિક આસ્‍થા સાથે પર્યાવરણનું જતન અને પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપવાનો છે. આ અંતર્ગત માત્ર મૂર્તિ વિતરણ જ નહીં પરંતુ ઈકો ગણેશ મૂર્તિ વિતરણ,પર્યાવરણ સંરક્ષણ જાગૃતિ,એ જ માટીમાંથી વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો પણ યોજાશે. વિસર્જન બાદ વધેલી માટીમાંથી વૃક્ષ વાવીને બાપ્‍પાને હર્યાભર્યા સ્‍વરૂપે જીવંત રાખવાનો સંદેશ આપવામાં આવશે.

જે કોઈ સંસ્‍થા, મંડળ, ગ્રુપ કે પરિવાર ઈકો ફ્રેન્‍ડલી ગણપતિની સ્‍થાપના કરવા માંગતા હોય, તેઓ અંબરીશભાઈ ડેરના મિત્ર મંડળનો (મો.૯૯૦૪૨ ૯૯૦૩૦) (મો.૯૮૨૪૨૯૮૯૭૮) અથવા (મો.૭૩૦૭૬૫૫૫૫૫) ઉપર સંપર્ક કરી શકે છે.

હાલ મિત્ર મંડળ દ્વારા સોશિયલ મીડિયાના માધ્‍યમથી પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને પર્યાવરણનું જતન કરીએ, ઈકો ફ્રેન્‍ડલી ગણપતિજીનું સ્‍થાપન કરીએ ના સંદેશ સાથે બહોળી સંખ્‍યામાં જોડાવવા આહવાન કરવામાં આવ્‍યું છે.

(10:12 AM IST)