તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવી :મહિલા એથ્લેટ દેવયાનીબા ઝાલા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય
દેવયાનીબા ઝાલા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કરનાર ગુજરાતની એકમાત્ર મહિલા એથ્લેટ બન્યા: ભારતમાંથી આ ઇવેન્ટ માટે પસંદગી પામેલા ત્રણ ખેલાડીઓમાં સ્થાન મેળવી તેમણે પોતાની પ્રતિભા, સતત મહેનત અને સમર્પણનો પરિચય આપ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવી છે. આ યુનિવર્સિટીની વિદ્યાર્થિની તથા રાજકોટની એમ.વી.એમ. મહિલા કોલેજની પ્રતિભાશાળી એથ્લેટ દેવયાનીબા ઝાલા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થઈ છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ.હરીશ રાબાએ જણાવ્યું હતું કે, દેવયાનીબા ઝાલા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કરનાર ગુજરાતની એકમાત્ર મહિલા એથ્લેટ બન્યા છે. ભારતમાંથી આ ઇવેન્ટ માટે પસંદગી પામેલા ત્રણ ખેલાડીઓમાં સ્થાન મેળવી તેમણે પોતાની પ્રતિભા, સતત મહેનત અને સમર્પણનો પરિચય આપ્યો છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ મહિલા વિદ્યાર્થિની તરીકે એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થઈ યુનિવર્સિટીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનાર ખેલાડી બન્યા છે.
દેવયાનીબાની આ સિદ્ધિ એક દિવસની સફળતા નથી. તેમણે અગાઉ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે ક્વોલિફાય થવાની સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂરમાં મહિલા 400 મીટર દોડમાં સિલ્વર મેડલ જીતી સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. ઓલ ઇન્ડિયા તથા વિવિધ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ તેમણે અનેક ચંદ્રકો જીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. વર્લ્ડ લેવલ પર નોંધાવેલા તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને ક્વોલિફાઇંગ સમયના આધારે જ આજે તેઓ એશિયન ગેમ્સ સુધી પહોંચવામાં સફળ થયા છે.
દેવયાનીબા ઝાલાની આ ઐતિહાસિક સિદ્ધિ બાદ હવે તેમનું ભારત સરકાર દ્વારા એશિયન ગેમ્સની તૈયારી માટે આયોજિત ઇન્ડિયા કેમ્પ માટે પણ સિલેક્શન થયું છે. દેશના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે તેઓ હવે વિશેષ તાલીમ મેળવી એશિયન ગેમ્સ માટે પોતાની તૈયારીઓને વધુ મજબૂત બનાવશે. આ સિદ્ધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે વધુ એક ગૌરવની ક્ષણ બની છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાક વર્ષોથી રમતગમત ક્ષેત્રે સતત નવી ઊંચાઈઓ સર કરી રહી છે. યુનિવર્સિટીના રમતગમતલક્ષી વાતાવરણ, ખેલાડીઓને આપવામાં આવતી પ્રોત્સાહક સુવિધાઓ, શારીરિક શિક્ષણ વિભાગના સતત માર્ગદર્શન અને અધ્યાપકોના સમર્પિત પ્રયાસોના પરિણામે આજે દેવયાનીબા ઝાલા જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની ખેલાડી તૈયાર થઈ છે. તેમની આ સિદ્ધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રમતગમત વિકાસની ગૌરવપૂર્ણ પરંપરાને વધુ મજબૂત બનાવે છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, રજિસ્ટ્રાર ડૉ. અજયસિંહ જાડેજા, એમ.વી.એમ. મહિલા કોલેજના શારીરિક શિક્ષણ અધ્યાપિકા ડૉ. પુનમબેન જુડાસિયા તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. કુલપતિએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, દેવયાનીબા ઝાલા એશિયન ગેમ્સમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એમ.વી.એમ. મહિલા કોલેજ, ગુજરાત અને સમગ્ર ભારતનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુ ગૌરવ સાથે ઉજ્જવળ બનાવશે એવી પૂર્ણ આશા છે.
દેવયાનીબાની આ સિદ્ધિ માત્ર એક ખેલાડીની સફળતા નથી પરંતુ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રમતગમત ક્ષેત્રે સતત થઈ રહેલી પ્રગતિ, ગુણવત્તાસભર માર્ગદર્શન અને ખેલાડીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. તેમની આ ઉપલબ્ધિ યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને ભવિષ્યમાં વધુ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાની નવી દિશા આપશે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
