<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

સૌરાષ્ટ્ર પર મેઘરાજા ઓળઘોળ, જળાશયો છલોછલ: રાજ્યના 21 ‘હાઈ એલર્ટ’ ડેમમાંથી 13 તો એકલા સૌરાષ્ટ્રના!

શેત્રુંજી, મચ્છુ-2, ધાતરવડી સહિતના ડેમો 100% ભરાયા: ભાદર-2 અને લાલપરી એલર્ટ ઝોનમાં, સરદાર સરોવરમાં પણ નીરની સસરાટ આવક

રાજકોટ : સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા મેઘમહેર વચ્ચે સૌરાષ્ટ્ર પંથક પર મેઘરાજા ભારે મહેરબાન થયા છે. સોના જેવા વરસાદને કારણે સૌરાષ્ટ્રના નદી-નાળાં છલકાયા છે અને જળાશયોમાં ઘોડાપૂર પાણીની આવક થઈ છે. મોસમનો સરેરાશ 43.33 ટકા વરસાદ એકલા સૌરાષ્ટ્રમાં જ નોંધાઈ ચૂક્યો છે. આ વિપુલ જળરાશિને કારણે રાજ્ય સરકારે જે 21 જળાશયોને 'હાઈ એલર્ટ' જાહેર કર્યા છે, તેમાંથી ચોંકાવનારી વાત એ છે કે 13 ડેમ માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના જ છે!

100 ટકા ભરાઈ જવાથી 'હાઈ એલર્ટ' પર મુકાયેલા મુખ્ય ડેમોની વાત કરીએ તો અમરેલીનો ધાતરવડી અને સુરજવાડી, ભાવનગરનો રોજકી અને શેત્રુંજી, મોરબીનો પ્રખ્યાત મચ્છુ-2, તેમજ સુરેન્દ્રનગરનો વંસલ અને ધોળીધજા ડેમ સંપૂર્ણપણે છલોછલ થઈ ગયા છે. આ સિવાય ભાવનગરનો રંઘોળા (99.65%), અમરેલીનો ખોડિયાર (96.83%), રાયડી, ધાતરવડી-2, બોટાદનો ખાંભડા અને મોરબીનો ઘોડાધ્રોઇ ડેમ પણ પોતાની જોખમી સપાટીની સાવ નજીક પહોંચી જતાં તંત્ર દ્વારા આ તમામ વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરી નીચાણવાળા વિસ્તારોને સાવધ કરવામાં આવ્યા છે.

બીજી તરફ 80 ટકાથી વધુ સંગ્રહ ધરાવતા ડેમોને 'એલર્ટ ઝોન'માં મૂકાયા છે. જેમાં ભાવનગરનો માલણ ડેમ (88.81%), રાજકોટ જિલ્લાનો ધોરાજી સ્થિત ભાદર-2 ડેમ (88.57%), રાજકોટનો લાલપરી ડેમ (80.82%) અને ગીર સોમનાથનો રાવલ ડેમ (82.04%) નો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની મુખ્ય જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ 17,131 ક્યુસેકની આવક સાથે સપાટી 420.96 ફૂટે પહોંચી ગઈ છે અને ડેમમાં 69.08 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. સમગ્ર રાજ્યમાં પૂરની સ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 42,302 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે જ્યારે 6,781 લોકોને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે પહોંચાડાયા છે.

 

(7:57 PM IST)