News of Saturday, 17th October 2026
ચોમાસાની વિદાય બાદ સૌરાષ્ટ્ર-કચ્છ પર કમોસમી વરસાદનું સંકટ: દેવભૂમિ દ્વારકા, કચ્છ અને પોરબંદરમાં ગાજવીજ સાથે ઝાપટાં
ચોમાસાની ઘટ ધરાવતા જિલ્લાઓમાં અણધાર્યા વરસાદથી મગફળી સહિતના ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ; ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

રાજકોટ : ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય જાહેર કરી દેવામાં આવી છે, તેવામાં સૌરાષ્ટ્ર અને કચ્છના હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદની ભારે ઘટ નોંધાઈ હતી તેવા દેવભૂમિ દ્વારકા, કચ્છ અને પોરબંદર જિલ્લાઓમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે પડેલા આ વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા ઊભા પાકને નુકસાન થવાની મોટી દહેશત ઊભી થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે વહેલી સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા રહ્યા હતા. ખાસ કરીને દ્વારકા અને ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ભાણવડ તાલુકાના ગુંદા, સાજડીયારી સહિતના ગ્રામ્ય પંથકોમાં સુસવાટા મારતા પવન સાથે ધોધમાર વરસાદ વરસી જતાં વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી.
માત્ર દ્વારકા જ નહીં, પરંતુ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ગામડાઓમાં તેમજ પોરબંદર જિલ્લાના સોઢાણા, અડવાણા, સીમર અને રાજીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોડી સાંજે કમોસમી વરસાદી ઝાપટાં નોંધાયા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે, આ જ જિલ્લાઓમાં ચોમાસાની સિઝન દરમિયાન વરસાદની સૌથી વધુ ખાધ (ઘટ) જોવા મળી હતી.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સક્રિય રહે છે, જ્યારે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ઉત્તર-પૂર્વીય ચોમાસાની ગતિવિધિઓ શરૂ થતી હોય છે. આ સમયગાળા દરમિયાન પડતા કમોસમી કે પાછોતરા વરસાદથી ખેડૂતોની ચિંતાઓમાં વધારો થયો છે.
હાલમાં ખેતરોમાં મગફળી અને કપાસ સહિતના પાકો કાપણીની આરે અથવા તો તૈયાર અવસ્થામાં ખુલ્લા પડ્યા છે. આવા સમયે અચાનક ત્રાટકેલા આ કમોસમી વરસાદના કારણે પાક બગડવાની અને ગુણવત્તા ઘટવાની પૂરી શક્યતા છે. અન્નદાતાઓની મહેનત પર પાણી ફરી વળવાની આશંકાથી ખેડૂત વર્ગમાં ચિંતાની લાગણી છવાઈ ગઈ છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
