તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
સર્વોત્તમ ડેરીની ૨૫મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ : ૧૫ ટકા ડીવીડન્ડ ચૂકવવાની જાહેરાતથી પશુપાલકોમાં હર્ષની લાગણી વ્યાપી
ટૂંક સમયમાં આઈસ્ક્રીમ અને બાયો ગેસ પ્લાન્ટ શરૂ કરાશે : સેક્સ સીમેન ડોઝથી માદા પશુના જન્મ પર રૂ. ૩૦૦ પશુપાલકને પરત કરાશે

ભાવનગર: શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સર્વોત્તમ ડેરી)ની ૨૫મી વાર્ષિક સાધારણ સભા તા. ૧૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સર્વોત્તમ ડેરી ખાતે સંઘના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે યોજાઈ ગઈ હતી. આ સાધારણ સભામાં સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ વિવિધ દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભામાં એજન્ડા મુજબની તમામ કામગીરી સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી.
કાર્યક્રમના પ્રારંભે સંઘના ડિરેક્ટર મૂળરાજસિંહ પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીએ એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે ઓછા પશુએ વધારે દૂધ ઉત્પાદન મેળવવા અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે સર્વોત્તમ દાણનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.
સંઘના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે દૂધ ઉત્પાદકોનું જીવનસ્તર ઊંચું લાવવા સંઘ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી કરાવી હતી. તેમણે જે મંડળીઓ આ પ્રવૃત્તિઓમાં ઓછો રસ લેતી હોય તેને વધુ સક્રિય થઈ દૂધ ઉત્પાદકોને મહત્તમ લાભ અપાવવા હાંકલ કરી હતી. ભવિષ્યના વિકાસ આયોજનો અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, સર્વોત્તમ ડેરી ટૂંક સમયમાં બાયો ગેસ પ્લાન્ટ નાખવા જઈ રહી છે, જેનાથી પશુપાલકોને ગોબર (છાણ)ની પણ આવક થશે. આ ઉપરાંત ટૂંક સમયમાં નવો આઈસ્ક્રીમ પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી અને આગામી સમયમાં દૂધ ઉત્પાદન ૧૦ લાખ લીટર સુધી વધારવાનું લક્ષ્યાંક દર્શાવ્યું હતું.
વધુમાં, ચાલુ વર્ષે 'સંવર્ધન વર્ષ' નિમિત્તે પશુપાલકોને ત્યાં સેક્સ સીમેન ડોઝથી માદા પશુ (વાછરડી કે પાડી)નો જન્મ થાય તો પશુપાલક પાસેથી લેવાયેલા રૂ. ૩૦૦ પણ સંપૂર્ણ પરત (ફ્રી ઓફ કોસ્ટ) કરી દેવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ પટેલ (મોદી) ના 'સહકારથી સમૃદ્ધિ'ના વિઝનને સાકાર કરવા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે થયેલા ૧૫૦થી વધુ ઐતિહાસિક સુધારાઓ, નવી રાષ્ટ્રીય સહકારી નીતિ-૨૦૨૫ અને નવી સહકારી સંસ્થાઓની સ્થાપના અંગે પણ ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે વિસ્તૃત માહિતી આપી હતી.
આ સાધારણ સભામાં દર વર્ષની માફક આ વર્ષે પણ સભાસદો માટે ૧૫ ટકા ડીવીડન્ડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવતા ઉપસ્થિત મંડળીના પ્રતિનિધિઓ અને પશુપાલકોમાં આનંદની લહેર ફરી વળી હતી. સમગ્ર સભાનું સફળ સંચાલન ચીફ જનરલ મેનેજર વાય.એચ. જોષીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ સંઘના ડિરેક્ટર માવજીભાઈ ભાલીયાએ કરી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
