<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

સરદાર પટેલ અને મોરબી : ઇતિહાસનાં પાનાંમાં અંકાયેલી એક ગૌરવશાળી સ્મૃતિ…!

“સરદાર પટેલ સમગ્ર ભારતના હતા, ગુજરાતનું ગૌરવ હતા, પરંતુ મોરબીની ધરતી સાથે પણ તેમના જીવનની કેટલીક એવી ઐતિહાસિક સ્મૃતિઓ જોડાયેલી છે, જે દરેક મોરબીવાસીએ જાણવી અને ગૌરવપૂર્વક યાદ રાખવી જોઈએ.”

મોરબી :આજે ૩૧ ઓક્ટોબર, લોખંડી પુરુષ, અખંડ ભારતના શિલ્પી અને રાષ્ટ્રીય એકતાના અમર પ્રેરણાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે.
સરદારનું જીવન માત્ર એક રાજનેતાની જીવનયાત્રા નહોતું, પરંતુ સાદગી, શિસ્ત, કરકસર, નિર્ભયતા, રાષ્ટ્રનિષ્ઠા અને દૃઢ નેતૃત્વની જીવંત પાઠશાળા હતું.આજે સરદારને યાદ કરતાં મોરબી સાથે જોડાયેલા તેમના ઐતિહાસિક સંબંધને પણ યાદ કરવો એટલો જ જરૂરી છે.વર્ષ ૧૯૨૯… મોરબીની ધરતી એક ઐતિહાસિક રાજકીય ઘટનાની સાક્ષી બની હતી.મોરબીમાં પાંચમી કાઠિયાવાડ રાજકીય પરિષદનું આયોજન થયું હતું અને તેનું પ્રમુખપદ સરદાર વલ્લભભાઈ પટેલે સંભાળ્યું હતું. આ ઐતિહાસિક પરિષદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ ઉપસ્થિત રહ્યા હતા.તે સમયના રાજાશાહી શાસન, પ્રજાના અધિકારો, રાજકીય જાગૃતિ અને સ્વાભિમાનના પ્રશ્નો વચ્ચે મોરબીની ધરતી પર રાષ્ટ્રના બે મહાન નેતાઓની ઉપસ્થિતિ એ આપણા શહેરના ઇતિહાસનું ગૌરવશાળી પ્રકરણ છે.
આ પરિષદ દરમિયાન અમૃતલાલ શેઠ, રામનારાયણ પાઠક અને કકલભાઈ કોઠારી જેવા યુવા આગેવાનો દ્વારા યુવક પરિષદ યોજવાનો પ્રશ્ન પણ ઊભો થયો હતો. રાજવી તંત્રની મંજૂરી અને યુવાનોની સ્વતંત્ર અભિવ્યક્તિ વચ્ચે સર્જાયેલા મતભેદોએ એ સમયની રાજકીય પરિસ્થિતિને ઉજાગર કરી હતી.આ પ્રસંગ આપણને એક મહત્વપૂર્ણ બોધ આપે છે કે યુવાનોમાં પરિવર્તન લાવવાની હિંમત હોવી જોઈએ, પરંતુ એ હિંમત સાથે વિવેક, શિસ્ત અને યોગ્ય વ્યૂહરચના પણ એટલી જ જરૂરી છે.મોરબીની આ પરિષદમાં સરદારે પ્રજાને નીડર બનવા, સંગઠિત થવા અને રાષ્ટ્રીય ચેતના વિકસાવવા પ્રેરણા આપી હતી.
આજે પણ આ વિચાર એટલો જ પ્રાસંગિક છે.
કારણ કે સમાજનું સાચું પરિવર્તન માત્ર વિરોધ કરવાથી નહીં, પરંતુ જાગૃતિ, સંગઠન, જવાબદારી અને રચનાત્મક કાર્યોથી શક્ય બને છે.મોરબી સાથે જોડાયેલી બીજી મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્મૃતિ વર્ષ ૧૯૩૧ના સત્યાગ્રહની છે. તે સમયના પ્રજાકીય આંદોલનોમાં સરદારની દૂરંદેશી, રાજકીય સમજ અને સંઘર્ષ માટે યોગ્ય સમય પસંદ કરવાની વિચારધારા વિશેષ મહત્વ ધરાવતી હતી.સરદાર માનતા હતા કે માત્ર ઉત્સાહથી લડત જીતી શકાતી નથી; તેના માટે સંગઠન, તૈયારી, શિસ્ત અને પરિણામની સમજ પણ અનિવાર્ય છે.અને આ જ સરદારની સાચી નેતૃત્વશક્તિ હતી.
સરદારના જીવનનો બીજો એક અત્યંત મહત્વપૂર્ણ ગુણ હતો — કરકસર અને જાહેર સંપત્તિ પ્રત્યેની જવાબદારી.તેમની કરકસર વિશે ટાંકણી જેવી નાનકડી વસ્તુની બચતનો પ્રસંગ પણ લોકસ્મૃતિમાં પ્રચલિત છે.
વિચારવા જેવી વાત છે…
જે વ્યક્તિ દેશના ગૃહમંત્રી તરીકે રજવાડાંઓના એકીકરણ જેવા ઐતિહાસિક કાર્યમાં વ્યસ્ત હતી, તે વ્યક્તિના જીવનમાં નાનામાં નાની વસ્તુની કિંમત સમજવાની ભાવના પણ હતી.આજે દેશમાં મોટા માણસો ઘણા છે, પરંતુ પ્રશ્ન એ છે કે તેમની મોટાઈથી દેશને કેટલો લાભ થાય છે અને તેમની ભવ્યતાનો બોજ દેશને કેટલો સહન કરવો પડે છે? સરદારની મહાનતા તેમના પદમાં નહોતી, તેમના ચારિત્ર્યમાં હતી. તેમની સાદગીમાં શક્તિ હતી, તેમના નિર્ણયોમાં દૃઢતા હતી અને તેમની દરેક જવાબદારીના કેન્દ્રમાં રાષ્ટ્રહિત હતું.
આઝાદી પછી સેંકડો દેશી રજવાડાંઓને ભારતીય સંઘમાં જોડવાના ઐતિહાસિક કાર્યમાં સરદારની નિર્ણાયક ભૂમિકા રહી. સૌરાષ્ટ્રના રજવાડાંઓના એકીકરણમાં પણ તેમના નેતૃત્વ અને રાજકીય કુનેહનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.જે સરદારે મોરબીની ધરતી પર પ્રજાજાગૃતિ અને સંગઠનનો સંદેશ આપ્યો હતો, એ જ સરદારે આગળ જતાં ભારતની એકતા અને અખંડિતતાના પાયા મજબૂત કર્યા.
મોરબીવાસી તરીકે મારા મનમાં એક વિચાર વારંવાર આવે છે.. આપણે આપણા શહેરના ઉદ્યોગ, વિકાસ અને સમૃદ્ધિની વાત ગૌરવપૂર્વક કરીએ છીએ, પરંતુ મોરબીના આવા ઐતિહાસિક વારસાથી આપણી નવી પેઢી કેટલી પરિચિત છે?.. શું આપણા યુવાનો જાણે છે કે મોરબીની ધરતી પર ગાંધીજી અને સરદાર પટેલ જેવા મહાન રાષ્ટ્રપુરુષોએ પ્રજાકીય જાગૃતિના પ્રશ્નો પર માર્ગદર્શન આપ્યું હતું?
શું આપણે આ ઐતિહાસિક સ્મૃતિઓને યોગ્ય રીતે સાચવી શક્યા છીએ? મારા મતે મોરબીમાં સરદાર પટેલ સાથે જોડાયેલા ઐતિહાસિક પ્રસંગોનું દસ્તાવેજીકરણ થવું જોઈએ. આ ઇતિહાસ શાળાઓ, કોલેજો અને યુવાનો સુધી પહોંચવો જોઈએ.કારણ કે ઇતિહાસ માત્ર ભૂતકાળને યાદ રાખવા માટે નથી, પરંતુ વર્તમાનને સમજવા અને ભવિષ્યને યોગ્ય દિશા આપવા માટે છે.સરદારની જન્મજયંતીએ આપણે માત્ર પુષ્પાંજલિ આપીને સંતોષ ન માનીએ.તેમની સાદગી આપણા જીવનમાં આવે, તેમની કરકસર આપણા વ્યવહારમાં આવે, તેમની શિસ્ત આપણા સંગઠનમાં આવે, તેમની નિર્ભયતા આપણા વિચારોમાં આવે અને તેમની રાષ્ટ્રનિષ્ઠા આપણા કર્મોમાં આવે — એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.
“સરદાર પટેલે માત્ર રજવાડાંઓને જોડ્યાં નહોતાં, તેમણે ભારતના ભવિષ્યને એકતાના મજબૂત પાયા ઉપર ઊભું કર્યું હતું.”
“મોટા માણસ બનવા માટે મોટું પદ નહીં, મોટું ચારિત્ર્ય જોઈએ. ઇતિહાસમાં સ્થાન મેળવવા માટે સત્તા નહીં, સેવા અને સમર્પણ જોઈએ.”
મોરબીની ધરતી સાથે જોડાયેલી સરદારની ઐતિહાસિક સ્મૃતિઓને વંદન કરતાં અખંડ ભારતના અમર શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતીએ કોટિ કોટિ નમન…!
 જય હિન્દ! જય ભારત! જય સરદાર!
– ડૉ. દેવેન રબારી
સ્થાપક અને માર્ગદર્શક – યંગ ઇન્ડિયા ગ્રુપ, મોરબી

(8:20 PM IST)