<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

‘સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ’ ના સંદેશ સાથે ભુજમાં "સાંસદ સ્વદેશી મેળા"નો પ્રારંભ

સાંસદ વિનોદભાઈ ચાવડાની પહેલથી સ્થાનિક કારીગરો, હસ્તકલાકારો અને નાના વેપારીઓને મળશે પ્રોત્સાહન; ૫ નવેમ્બર સુધી મેળો ખુલ્લો રહેશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ :  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ’ના રાષ્ટ્રવ્યાપી સંદેશને સાકાર કરવાના હેતુથી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની પહેલ અને સમાજ નવ ટ્રસ્ટના સૌજન્યથી ભુજમાં ‘સાંસદ સ્વદેશી મેળા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવારને અનુલક્ષીને તા. ૧ નવેમ્બરથી ૫ નવેમ્બર સુધી કતીરા પાર્ટી પ્લોટ, લોહાણા મહાજનવાડી ખાતે યોજાનારા આ મેળામાં સ્વદેશી ઘર સજાવટની સામગ્રી, ખાદી અને હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે.

મેળાના ઉદ્ઘાટન પ્રસંગે ‘ભજન જામિંગ’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકગાયક વિશાલભાઈ ગઢવી અને લોકગાયિકા દેવલબેન ગઢવીએ સુંદર ગીતો અને ભજનોની પ્રસ્તુતિ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમના સુમધુર કંઠે સમગ્ર વાતાવરણ સંગીતમય અને ભક્તિમય બન્યું હતું. આ મેળાના માધ્યમથી સ્થાનિક કારીગરો, હસ્તકલાકારો અને નાના વેપારીઓને પોતાની બનાવટની ચીજવસ્તુઓના પ્રદર્શન તથા વેચાણ માટે મંચ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે જ નાગરિકોને સ્વદેશી ઉત્પાદનોની ખરીદી દ્વારા સ્થાનિક વ્યવસાયકારોને પ્રોત્સાહન આપવાની તક મળશે. મેળો તા. ૧થી ૫ નવેમ્બર દરમિયાન દરરોજ સાંજે ૪થી રાત્રે ૧૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોળ, કમલભાઈ ગઢવી, અશોકભાઈ હાથી, મોહનભાઈ ચાવડા, પ્રફુલસિંહ જાડેજા, પારૂલબેન કારા, બિંદિયાબેન ઠક્કર, રૂપલબેન ચાવડા, રેશ્માબેન ઝવેરી સહિતના આગેવાનો, નગરપાલિકાના સભ્યો, સ્થાનિક વેપારીઓ, કારીગરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રીતેનભાઈ ગોરે કર્યું હતું, જ્યારે આયોજનમાં શક્તિસિંહ ઝાલા અને કિશોરભાઈ નટે જવાબદારી સંભાળી હતી.

(9:15 AM IST)