News of Tuesday, 6th October 2026
પગપાળા માતાના મઢ જતાં દરેક અતૂટ શ્રદ્ધા અને સંકલ્પને વંદન
સાંસદ વિનોદ ચાવડા દ્વારા ભુજના મિરઝાપર પાસે “મા આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ”નો પ્રારંભ, મેડિકલ સુવિધા, રેડિયમ પટ્ટી અને મોબાઇલ ચાર્જિંગ સહિતની વ્યવસ્થા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ : કચ્છની કુળદેવી માં આશાપુરાના દર્શનાર્થે માતાના મઢ તરફ પદયાત્રા કરતા શ્રદ્ધાળુઓની સેવા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભુજ-લખપત હાઈવે પર મિરઝાપર ખાતે “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ”નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના સૌજન્યથી આયોજિત આ સેવા કેમ્પ ચારથી પાંચ દિવસ સુધી કાર્યરત રહેશે.
કચ્છ સહિત ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને દેશના વિવિધ વિસ્તારોમાંથી નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના મઢે દર્શનાર્થે પહોંચે છે. અનેક ભક્તો પગપાળા યાત્રા કરીને માતાજીના ધામ સુધી પહોંચે છે, ત્યારે માર્ગમાં તેમને સહાય, આરામ અને જરૂરી સેવાઓ મળી રહે તે હેતુથી આ સેવાકીય પહેલ કરવામાં આવી છે.
આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, “માતાના મઢ તરફ પગપાળા જતા દરેક યાત્રીમાં અતૂટ શ્રદ્ધા અને સંકલ્પ જોવા મળે છે. આવા ભક્તોની સેવા કરવી એ પણ માતાજીની સેવા સમાન છે.” તેમણે પદયાત્રીઓ તથા વાહનચાલકોને યાત્રા દરમિયાન સાવચેતી રાખવા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી. કેમ્પની વિશેષતા તરીકે અહીં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળ દરમિયાન અમલમાં આવેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની પ્રદર્શની સાથે મેડિકલ સેવા કેમ્પ પણ ઉપલબ્ધ રહેશે. પદયાત્રીઓ માટે મિલેટ્સ ધાન્ય આધારિત એનર્જી સોફ્ટ ડ્રિંક, મોબાઇલ ચાર્જિંગની સુવિધા તેમજ પ્લાસ્ટિકમુક્ત ભારતના સંદેશ સાથે સેવા આપવામાં આવશે.
રાત્રિના સમયે પદયાત્રીઓ વધુ સુરક્ષિત રીતે વાહનચાલકોને નજરે પડે તે માટે તેમના બેગ પર લગાવી શકાય તેવી રેડિયમ પટ્ટીઓનું પણ વિતરણ કરવામાં આવશે. આમ, ભક્તિ સાથે સેવા, સુરક્ષા અને સામાજિક જાગૃતિનો સંદેશ આપતો આ કેમ્પ પદયાત્રીઓ માટે ઉપયોગી સાબિત થશે.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ માતાના મઢે દર્શનાર્થે નીકળેલા તમામ પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓને શુભકામનાઓ પાઠવી હતી અને માં આશાપુરાના આશીર્વાદથી સૌની યાત્રા સુખદ, સલામત અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
