તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પુરુષોત્તમ માસની શેષનારાયણ જયંતીએ દિવ્ય શણગાર, કેરીનો અન્નકૂટ : દિવસમાં બે વખત રાજોપચાર પૂજન: 100 કિલો ગુલાબની પાંખડીઓથી પુષ્પવર્ષા : હનુમાન ચાલીસા યજ્ઞનો પ્રારંભ
પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી પૂ.વિવેકસાગર સ્વામીના માગૅદશૅન હેઠળ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો : પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન

રાજકોટ તા.૨૬ : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અધિક જેઠ માસ એટલે કે 'પુરુષોત્તમ માસ' નિમિત્તે આજે મંગળવારે સુદ એકાદશીના પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં 'શેષનારાયણ જયંતી' ની દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી પૂ.વિવેકસાગર સ્વામીના માગૅદશૅન હેઠળ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્ય વાઘા સાથે સિંહાસને શેષનારાયણનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો. અધિક માસમાં 'મારા દાદાને અધિક શણગાર'ની સેવા અંતર્ગત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ફળ, પુષ્પ, ડ્રાયફ્રુટ ધરાવી 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવસમાં બે વખત દિવ્ય રાજોપચાર પૂજન કરવામાં આવી રહ્યું છે. સવારે 08:00 થી 10:00 અને સાંજે 05:00 થી 07:00 કલાકે રાજોપચાર પૂજનનું આયોજન છે. આજે મંગળા આરતી સવારે 05:30 કલાકે અને શણગાર આરતી સવારે 07:00 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી. સંધ્યા આરતી સાંજે 07:00 કલાકે થશે. સવારે 10:00 કલાકે દાદાની દિવ્ય આરતી સંપન્ન થઈ હતી.
પવિત્ર અધિકમાસ નિમિત્તે મંદિરના પટાંગણમાં પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા. 17 મે થી 15 જૂન 2026 સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞનો સમય સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન રાખવામાં આવ્યો છે.
ભગવાન શ્રીરામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ રાજાની જેમ ભક્તોના કષ્ટો દૂર કરે છે, તેથી સાળંગપુરધામમાં રાજોપચાર પૂજન કરવામાં આવે છે. રાજોપચાર પૂજામાં સૌપ્રથમ ચાર વેદના મંત્રો હનુમાનજીદાદાને સમર્પિત થાય છે. ત્યારબાદ શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદોનું પાઠ કરવામાં આવે છે. શાસ્ત્રીય સંગીત સહિત વિવિધ વાદ્યો વડે સંગીત રજૂ કરી, વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન હનુમાનજી મહારાજને સમર્પિત કરવામાં આવે છે.
હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શન-મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
