તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને અધિક જેઠ માસ નિમિત્તે મોતીના દિવ્ય શણગાર અને ડ્રાયફ્રૂટના અન્નકૂટનો ભવ્ય મનોરથ
પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી પૂ. વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ જેઠ સુદ નોમ - રામનવમીના પાવન દિને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા સાથે શણગારાયા હનુમાનજીદાદા: સવારે શણગાર આરતીમાં ભક્તો ઉમટ્યા, પારિવારિક શાંતિ માટે હનુમાન ચાલીસા યજ્ઞનો લાભ લેવા અપીલ

રાજકોટ : અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસ નિમિત્તે સાળંગપુરધામ સ્થિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને અધિક ભક્તિભાવથી વિશેષ શણગાર અને અન્નકૂટ ધરાવવામાં આવી રહ્યા છે. 'અધિક માસમાં મારા દાદાને અધિક શણગાર'ની ભાવના સાથે આજે જેઠ સુદ નોમ એટલે કે રામનવમીના પવિત્ર દિવસે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો.
પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને કલાત્મક એમ્બ્રોઇડરી વર્કવાળા વ્હાઈટ મોતીના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સિંહાસનને પણ મોતીના દિવ્ય શણગારથી સુશોભિત કરવામાં આવ્યું હતું. આ સાથે જ દાદાને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટનો ભવ્ય અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો.
આજે સવારે 05:45 કલાકે મંદિરના પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના આ મનમોહક શણગાર અને આરતીના દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. દર્શનાર્થે આવેલા ભાવિકોએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દિવ્ય શણગાર, આરતી દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
હનુમાન ચાલીસા યજ્ઞ અને મારુતિ યજ્ઞનું આયોજન
પવિત્ર અધિક માસ નિમિત્તે મંદિરના પટાંગણમાં પારિવારિક સુખ-શાંતિ અને કલ્યાણ અર્થે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ તારીખ 17 મે થી 15 જૂન 2026 સુધી દરરોજ સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન યોજાશે. મંદિર પ્રશાસન દ્વારા વધુમાં વધુ ભક્તો આ યજ્ઞમાં જોડાઈને લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.
આજે રવિવાર નિમિત્તે મંદિરમાં મારુતિ યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બપોરના સમયે શ્રીહરિ મંદિરમાં ઠાકોરજીની આરતી પણ સંપન્ન થશે. અધિક માસ દરમિયાન સાળંગપુરધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
