તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
જામનગરમાં મતદાન પૂર્વે જ કેસરીયો લહેરાયો : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની દબદબાભેર એન્ટ્રી : સાત બેઠકો પર બિનહરીફ વિજય મેળ વિરોધ પક્ષોને આપ્યો પછડાટ : જુઓ વિડીયો
ઉમેદવારી ફોર્મ પરત ખેંચાતા ચૂંટણી જંગનું ચિત્ર એકદમ સાફ : ૨૦ ઉમેદવારોએ હથિયાર હેઠા મૂક્યા : જામનગર મનપાના વોર્ડ નંબર ૧૪ સહિત જિલ્લા-તાલુકા પંચાયતમાં ભાજપનો વિજયધ્વજ

( મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર:જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો અસલી જંગ શરૂ થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ મજબૂત મનોવૈજ્ઞાનિક સરસાઈ મેળવી લીધી છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે જ જિલ્લાની રાજકીય તસવીર પલટાઈ ગઈ છે અને સત્તાધારી ભાજપે મતદાન પહેલા જ સાત બેઠકો પોતાના નામે કરી લીધી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.બી. પંડ્યાના સત્તાવાર નિવેદન સાથે જ રાજકીય ગરમાવો વધી ગયો છે, કારણ કે આ વિજય સાથે ભાજપે વિરોધ પક્ષોના ગઢમાં ગાબડાં પાડવાની શરૂઆત કરી દીધી છે.
ચૂંટણી ગણિત - ૭૬૦ ફોર્મ માન્ય, ૨૦ ઉમેદવારોની પીછેહઠ:
જામનગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વહીવટી તંત્રને મળેલા ફોર્મની ચકાસણી બાદ કુલ ૭૬૦ ઉમેદવારોના ફોર્મ ટેકનિકલી માન્ય ઠર્યા હતા. જોકે, ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને સમીકરણોમાં મોટો પલટો આવતા ૨૦ જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી સ્વેચ્છાએ પરત ખેંચી લીધી હતી. આ ફેરબદલને કારણે અનેક બેઠકો પર સીધી ટક્કરના બદલે એકતરફી માહોલ સર્જાયો છે.
બિનહરીફ બેઠકોનું વિવરણ:
ભાજપે જે સાત બેઠકો પર બિનહરીફ વિજય મેળવ્યો છે તેમાં જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૪ ના મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની પ્રતિષ્ઠિત પીઠડ બેઠક પર પણ ભાજપે કબજો જમાવ્યો છે. તાલુકા પંચાયત સ્તરે પણ ભાજપનો દબદબો રહ્યો છે, જ્યાં અન્ય કોઈ હરીફ ઉમેદવાર મેદાનમાં ન રહેતા કે ફોર્મ ખેંચાઈ જતા કુલ ૫ બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આમ, કોર્પોરેશનથી લઈને પંચાયત સુધી ભાજપે પ્રભુત્વ સાબિત કર્યું છે.
વહીવટી તંત્રની સજ્જતા:
સાત બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ હવે વહીવટી તંત્ર દ્વારા બાકી રહેલી બેઠકો માટે મતદાનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કલેકટરના માર્ગદર્શન હેઠળ ઈવીએમ (EVM) મશીનોનું વ્યવસ્થાપન અને સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પ્રક્રિયાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં જ્ઞાતિગત સમીકરણો અને સંગઠન શક્તિની કસોટી થવાની છે ત્યારે હવે પ્રચાર યુદ્ધ તેજ બન્યું છે. આગામી દિવસોમાં જે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્યાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
