<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

દર્દીમાં દેવ અને સેવામાં સાધના: મોરારિબાપુએ સાવરકુંડલાના આરોગ્ય મંદિરની લીધી અચાનક આત્મીય મુલાકાત

દર્દીનારાયણના ખબર-અંતર પૂછીને સમાનતાનો સંદેશ આપતા બાપુએ પ્રસાદ ગ્રહણ કર્યો અને નવનિર્માણાધીન વિશ્વાસ બિલ્ડિંગની કામગીરી નિહાળી

સાવરકુંડલા :વિશ્વ વંદનીય પૂજ્ય મોરારિબાપુએ સાવરકુંડલા સ્થિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આજે અચાનક અને આત્મીય મુલાકાત લઈ દર્દીનારાયણના કુશળ સમાચાર પૂછ્યા અને સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. આ મુલાકાત દરમિયાન બાપુએ વિવિધ ઓપીડી, મેડિકલ સ્ટોર, સર્જિકલ અને ઓર્થોપેડિક વોર્ડની મુલાકાત લઈને દર્દીઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો.

પૂજ્ય બાપુએ ગાયનેક વિભાગમાં પ્રસૂતા માતાઓ અને નવજાત શિશુઓને મળવાની સાથે NICUમાં પ્રિટર્મ બાળકના સ્વાસ્થ્યલાભ માટે વિશેષ પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત, ડાયાલિસિસ વિભાગની મુલાકાત લઈને અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ લેતી ૧૨ વર્ષની બાળકીની તબિયત અંગે બાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.

આ મુલાકાત દરમિયાન સેવા અને સમાનતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા બાપુએ પ્રસાદગૃહની મુલાકાતે આવીને દર્દીનારાયણ, તબીબો અને સ્ટાફ માટે તૈયાર થતો એ જ સામાન્ય પ્રસાદ પોતાના ભિક્ષાપાત્રમાં ગ્રહણ કર્યો હતો, જેનાથી ‘સેવામાં કોઈ ભેદ નહીં, પ્રસાદમાં કોઈ ભેદ નહીં’નો ઉદાત્ત ભાવ ઉજાગર થયો હતો.

આ સાથે નવનિર્માણાધીન વિશ્વાસ બિલ્ડિંગની કામગીરી અંગે માહિતી મેળવી બાપુએ રાજીપો વ્યક્ત કર્યો હતો અને જાન્યુઆરી ૨૦૨૭માં તેને દર્દીનારાયણની સેવામાં અર્પણ કરવાની ભાવના માટે આશીર્વાદ આપી સૌના પ્રસાદાર્થે રૂ. ૫૦,૦૦૦નું તુલસીપત્ર અર્પણ કર્યું હતું. અગાઉ પણ આ સંસ્થા દ્વારા અનેક લોકકલ્યાણકારી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી છે, ત્યારે આ મુલાકાતે ‘દર્દીમાં દેવ અને સેવામાં સાધના’ના સંકલ્પને વધુ દ્રઢ કર્યો છે અને આગામી દિવસોમાં આ નવું બિલ્ડિંગ શરૂ થવાથી સેવાનો વ્યાપ વધુ વિસ્તરશે.

(11:44 PM IST)