News of Monday, 14th September 2026
પાટડીના નાના ગોરૈયા ગામે મંદિરમાં સવા લાખની ચોરી
તસ્કર ગેંગ આભૂષણો ઉપાડી ગઇઃ દાનપેટી પણ તોડીઃ અંધારામાં બનેલી ઘટનાઃ કદાચ સવાર પડી હોઇ તસ્કરો ડીસમીસ- ચપ્પુ પણ લેવા રોકાયા નહીઃ ચકચાર

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૪: પાટડીના નાના ગોરૈયા ગામમાં આવેલા ગઢીયા હનુમાનજી મંદિરમાંથી ૧.૩૦ લાખ રૂપિયાના ચાંદીના આભૂષણો અને રોકડની ચોરી થઈ છે.
આ પહેલા પાટડી ચાર રસ્તે આવેલા સેધોય માતાજીના મંદિરની દાનપેટી તોડીને રોકડની ચોરી થઈ હતી. આ ઘટના હજુ તાજી છે, ત્યાં જ નાના ગોરૈયા ગામમાં ચોરી થઈ છે. ગામના આગેવાન મણિલાલ ભગવાન પટેલ રોજની જેમ સડલા માર્ગે આવેલા ગઢીયા હનુમાનજી મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ત્યારે મંદિરના પૂજારી હરેશગીરી પ્રહલાદગીરી ગોસ્વામી પણ ત્યાં હાજર હતા.
પૂજારીએ મણિલાલભાઈને જણાવ્યું કે, મંદિરના લોક અને નકુચા તોડી નાખવામાં આવ્યા હતા. હનુમાનજી દાદાની મૂર્તિ પરનો શણગાર ગાયબ હતો. જેમાં માથાનો મુગટ, એક મોટું ચાંદીનું છત્ર, પાંચ નાના છત્ર, બે હાથના કુંડળ, એક પગનું તોળું અને બે કાનના કુંડળનો સમાવેશ થતો હતો. આ તમામ શણગાર ચાંદીનો હતો.
વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે મંદિરના દરવાજા પાસે રાખેલી દાનપેટી પણ તોડવામાં આવી હતી. તેમાંથી આશરે પાંચ હજાર રૂપિયા રોકડા ચોરાયા હતા. આ સાથે ૧,૨૫,૦૦૦ રૂપિયાના અંદાજે ૭૫૦ ગ્રામ ચાંદીના આભૂષણો પણ ચોરાયા હતા. આમ, કુલ ૧,૩૦,૦૦૦ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી.
પોલીસે ચોરીનો ગુનો નોંધી અજાણ્યા ચોરોની ગેંગને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એ.કે. વાઘેલા કરી રહ્યા છે.
ચોરોની ગેંગે રાત્રીના અંધારામાં આ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોની ગેંગ ચોરી કરતા સમયે કદાચ સવાર પડી જતા ડીસમિસ અને ચપ્પુ લેવા પણ રોકાયા ન હતા. જેમાં દરવાજાના મીજાગરા તૂટેલી હાલતમાં તેમજ દરવાજાના મીજાગરાના સ્ક્રુ ડિસમિસથી ખોલવાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
