<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

જામનગરના રણજીતનગરમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનની છત ધરાશાયી : બે વૃદ્ધો ગંભીર રીતે ઘાયલ : જુઓ વિડીયો

૧૦૪૦ મકાનો અને ૫૦૦૦ લોકોની સુરક્ષા સામે ગંભીર સવાલો, મોટી હોનારત સર્જાય તે પહેલાં તંત્ર જાગે તેવી સ્થાનિકોની માંગ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :જામનગરના રણજીતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનની છતનો એક ભાગ ધરાશાયી થવાની ગંભીર ઘટના સામે આવી છે. આઈ-૪ બ્લોકમાં મકાનની છતનો ભાગ અચાનક તૂટી પડતાં બે વૃદ્ધો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ ઘટનાને પગલે સમગ્ર રણજીતનગર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હાઉસિંગ બોર્ડનાં અંદાજે ૧૦૪૦ મકાનો આવેલા છે, જેમાં આશરે ૫૦૦૦ જેટલા લોકો વસવાટ કરે છે. અનેક મકાનો જર્જરિત હાલતમાં હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ રહેવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે.
સ્થાનિકો દ્વારા જર્જરિત મકાનોના રિડેવલપમેન્ટ માટે ૭૫ ટકા રહેવાસીઓની મંજૂરીના નિયમમાં જરૂરી છૂટછાટ આપી તાત્કાલિક રિડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
આ મામલે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ સ્વાગત પોર્ટલ પર પણ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ જવાબ કે સંતોષકારક પ્રતિસાદ મળ્યો ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, દિલ્હીમાં બનેલી મોટી દુર્ઘટના જેવી કોઈ હોનારત જામનગરમાં સર્જાય તે પહેલાં જ તંત્રએ જાગૃત બની જર્જરિત મકાનોનું તાત્કાલિક નિરીક્ષણ કરવું જોઈએ અને રહેવાસીઓની સુરક્ષા માટે નક્કર પગલાં ભરવાં જોઈએ.
હવે જોવાનું એ રહેશે કે બે વૃદ્ધોને ગંભીર ઇજા પહોંચાડનારી આ ઘટના બાદ તંત્ર કેટલા સમયમાં જાગે છે અને ૫૦૦૦ લોકોની સુરક્ષાને લઈને ક્યારે નક્કર નિર્ણય લે છે.(તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(7:49 PM IST)