તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળાના કારણે સાતરસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે સદંતર બંધ
મોટી સંખ્યામાં ઉત્સવ પ્રેમીઓ એકઠા થતા હોવાથી વાહનોની અવર-જવર કરવાથી ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવિત થવાની સંભાવનાને પગલે જાહેરનામું

જામનગર : જન્માષ્ટમીના તહેવાર નિમિત્ત જામનગર શહેરમાં શ્રાવણી લોકમેળો, ૨૦૨૬ નું આયોજન જામનગર શહેર ખાતેના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે. સદરહું તહેવારની ઉજવણી દરમ્યાન મોટી સંખ્યામાં ઉત્સવ પ્રેમીઓ એકઠા થતા હોવાથી વાહનોની અવર-જવર કરવાથી ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવિત થવાની સંભાવના રહે છે. આથી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે તા.૦૫/૦૯/૨૦૨૬, તા.૦૬/૦૯/૨૦૨૬ તથા તા.૧૧/૦૯/૨૦૨૬ ના સમયગાળા દરમ્યાન જામનગર શહેરના સાતરસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે સદંતર બંધ કરવા પોલીસ ઇન્સપેક્ટર, એલ.આઈ.બી., જામનગરની વિનંતી અન્વયે નાયબ કમિશનર, જામનગર મહાનગરપાલીકા, જામનગરના તા.૦૫/૦૯/૨૦૨૬ના પત્ર નં.જેએમસી/એસ્ટેટ/૩૦/૫૨૫/૨૦૨૬-૨૭ થી દરખાસ્ત કરેલ છે. જે મને યોગ્ય જણાય છે.
જેથી હું, વિમલ ચૌધરી, જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર જિલ્લો, જામનગર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ મને મળેલ સત્તાની રૂએ આ સહ સામેલ પરિશિષ્ટ 'ક’ના કોષ્ટકના કોલમ નં-(૨) માં જણાવેલ રસ્તા પર તા.૦૫/૦૯/૨૦૨૬, તા.૦૬/૦૯/૨૦૨૬ તથા તા.૧૧/૦૯/૨૦૨૬ ના રોજ સવારના ૦૮.૦૦ કલાક થી રાત્રીના ૧૨.૦૦ કલાક સુધી તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવું છું. તેમજ સરકારી એ.ટી. બસો માટે કોલમ નં. (૩) અને તે સિવાયના અન્ય વાહનો માટે કોલમ નં.(૪)માં જણાવેલ રૂટ મુજબનો વૈકલ્પિક રસ્તો ઉપયોગ કરવા છૂટછાટ આપું છું.આ જાહેરનામું નીચેના વાહનોને લાગુ પડશે નહીં.
1. આરોગ્યસેવા માટે જતા અથવા આવતા એમ્બ્યુલન્સ વાહનો.
2. ફાયર વિભાગના વાહનો.
3. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરજ પર રહેલ કર્મચારી/અધિકારી/પોલીસ વિભાગના વાહનો.
4. તાત્કાલિક કામગીરી માટે વપરાતા સરકારી વાહનો.
5. વિજ પુરવઠો, પાણી પુરવઠો, ગેસ લીકેજ જેવી સેવાઓમાં જોડાયેલા જરૂરી સેવાઓના વાહનોને જરૂર મુજબ ખરાઈ કરીને મૂક્તિ આપવાની રહેશે.
6. પ્રતિબંધત માર્ગ સ્થિત સરકારી વસાહતમાં વસતા અધિકારીઓ/કર્મચારીઓની ખરાઇ કરી મૂક્તિ આપવાની રહેશે.
7. મેળામાં આવતા વાહનો પાર્કિંગ માટે પત્રકાર કૉલોની સુધી જઇ શકશે.
આ જાહેરનામું તાત્કાલીક અસરથી અમલમાં લાવવું જરૂરી હોય, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૬) ના પરંતુકની જોગવાઈ મુજબ તાત્કાલીક અસરથી અમલમાં લાવવામાં આવે છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧-ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ પગલા લેવા માટે સંબંધિત થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામાંની જાહેર જનતાને જાણ થાય તે રીતે નાયબ કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા, જામનગરએ તેની બહોળી પ્રસિધ્ધી કરાવવાની રહેશે. રસ્તાઓના અગ્રભાગે જાહેર જનતાને સરળતાથી જાણકારી મળી રહે તે મુજબના બોર્ડ નાયબ કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા, જામનગરએ મુકાવવાના રહેશે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
