News of Saturday, 26th September 2026
વિરપુરમાં સ્પીડ બ્રેકરો હટાવવાની માંગ સાથે રિક્ષા હડતાળ!
ખૂબજ ઉંચા અને અયોગ્ય, નિયમ મૂજબના સ્પીડબ્રેકરો નહી હોવાથી વાહનોને ભારે નૂકશાન થતુ હોવાની રજૂઆત બીજી તરફ લોકો કહે છે, લોકોની સુરક્ષા માટે સ્પીડબ્રેકર યથાવત રાખોઃ ૧૧ સ્થળોએ મુખ્યમાર્ગો ઉપર મૂકેલા સ્પીડ બ્રેકરને લઇને વિવાદ

વિરપુર, તા.૨૬: પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં (જલારામ) સ્થાનિક રિક્ષાચાલકોએ તંત્રની લાપરવાહી અને મનસ્વી કામગીરી સામે મોરચો માંડ્યો છે. વીરપુર રિક્ષા એસોસિએશન દ્વારા માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ, જેતપુરના નાયબ કાર્યપાલક ઈજનેરને અરજી પાઠવવામાં આવી છે. આ અરજીમાં એસ.ટી. સ્ટેન્ડ, ગોંડલ રોડ અને રેલવે સ્ટેશનથી જલારામ મંદિર તરફ જતા મુખ્ય માર્ગો પર તાજેતરમાં મોટી સંખ્યામાં બનાવવામાં આવેલા બિનજરૂરી અને ગેરકાયદેસર સ્પીડ બ્રેકર કાયમ માટે દૂર કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
રિક્ષાચાલકોની ફરિયાદ મુજબ, આ સ્પીડ બ્રેકર નિયમ મુજબના નથી અને ખૂબ જ ઊંચા તેમજ અયોગ્ય જગ્યાએ બનાવવામાં આવ્યા છે. જેને કારણે માત્ર વાહનચાલકો જ નહીં પરંતુ મુસાફરોને પણ ભારે મુશ્કેલી પડે છે. વાહનોને ભારે નુકશાન પહોંચી રહ્યું છે અને અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહે છે. ખાસ કરીને બીમાર લોકો કે ડિલિવરીના ઇમરજન્સી કેસમાં દર્દીઓને દવાખાને લઈ જતા સમયે રસ્તામાં સમયસર પહોંચી શકાતું નથી રેલવે સ્ટેશનથી લઈને જલારામ મંદીર તેમજ બસ સ્ટેન્ડ રોડ સહિતના ૧૧ જેટલા સ્થળો પર આવા સ્પીડ બ્રેકર્સ અસ્તિત્વમાં છે.
રીક્ષા એસોસિએશન દ્વારા અવારનવાર માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ સાંભળવામાં ન આવતા, અંતે કંટાળીને રિક્ષાચાલકોએ બે દિવસથી તમામ રિક્ષાચાલકોએ પોતાના વાહનોના પૈડાં થંભાવી દીધા છે.
જ્યારે સરકારી તંત્રએ આંખ આડા કાન કર્યા છે, ત્યારે નિરાશ થયેલા તમામ રિક્ષાચાલકોએ એકઠા થઈને રીક્ષાઓ સાથે રેલી યોજી શ્રી રામધૂન બોલાવી પૂજ્ય જલારામ બાપાના શરણે જઈને મંદિરે અરજી ધરી છે કે જેથી વહીવટી તંત્રની ‘‘આંખ ઉઘડે''અને તેમની સમસ્યાનો ઉકેલ આવે. જો વહેલી તકે આ તમામ સ્પીડ બ્રેકર્સનું યોગ્ય નિરીક્ષણ કરી તેને દૂર કરવામાં નહીં આવે તો રિક્ષા એસોસિએશને નાછૂટકે આગામી દિવસોમાં વધુ જલદ રજૂઆત અને કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. યાત્રાધામ વીરપુરના મુખ્ય માર્ગો ઉપર મુકવામાં આવેલા સ્પીડ બ્રેકરને લઈને વિવાદ વકર્યો છે.
રિક્ષાચાલકોની માંગ સામે હવે સ્થાનિક નાગરિકોએ પણ સ્પીડ બ્રેકર હટાવવાનો વિરોધ કર્યો છે. નાગરિકોનું કહેવું છે કે વીરપુરના મુખ્ય માર્ગો ઉપર દિવસભર લોકો તેમજ વાહનોની ભારે અવરજવર રહે છે. યાત્રાધામ હોવાના કારણે બહારગામથી આવતા વાહનોની અવરજવર પણ રહેતી હોવાથી માર્ગો ઉપર વાહનોની ઝડપ નિયંત્રિત કરવી જરૂરી છે
વીરપુરની અનેક શાળાઓ મુખ્ય માર્ગો ઉપર અથવા તેની નજીક આવેલી છે. શાળાના સમય દરમિયાન વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે. આવા સંજોગોમાં જો વાહનો પૂરઝડપે પસાર થાય તો અકસ્માતનું જોખમ ઊભું થઈ શકે છે. તેથી વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓની સુરક્ષા માટે મુખ્ય માર્ગો અને શાળાઓની આસપાસ સ્પીડ બ્રેકર જરૂરી હોવાનું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે,
નાગરિકોના જણાવ્યા મુજબ, સ્પીડ બ્રેકર વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ હોય તો તંત્ર દ્વારા તેની રચના, ઊંચાઈ અને યોગ્ય સ્થળ અંગે તપાસ કરી જરૂરી સુધારા કરવા જોઈએ, પરંતુ માત્ર વાહનચાલકોને પડતી મુશ્કેલીના કારણે સ્પીડ બ્રેકર હટાવી દેવા યોગ્ય નથી.!
એક તરફ રિક્ષાચાલકો સ્પીડ બ્રેકર હટાવવાની માંગ સાથે હડતાળ પર છે, તો બીજી તરફ સ્થાનિક નાગરિકો ‘સુવિધા કરતાં સુરક્ષા વધુ મહત્વની' હોવાનું જણાવી સ્પીડ બ્રેકર યથાવત્ રાખવાની માંગ કરી રહ્યા છે. હવે સમગ્ર મામલે તંત્ર દ્વારા બંને પક્ષોની રજૂઆત સાંભળી લોકોની સુરક્ષા અને વાહનચાલકોની વ્યવહારુ મુશ્કેલી વચ્ચે સંતુલિત ઉકેલ લાવવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. (તસ્વીરઃ કિશનસિંહ મોરબીયા-વીરપુર)
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
