<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ભૂજ મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી ચંદુભાઈ હરણ ₹૩૫ હજારની લાંચ લેતા ઝડપાયા : એસીબીના ઈન્ચાર્જ નિયામક બળદેવસિંહ વાઘેલા અને મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શનમાં પીઆઈ જે.જે. ચૌધરી અને ટીમની સફળ ટ્રેપ

ખેડૂત ખાતેદારનો દાખલો આપવા માટે તલાટીએ માંગી હતી લાંચ : જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરોએ પ્રાંત અને મામલતદાર કચેરી પરિસરમાં જ ગોઠવ્યું છટકું

વિનોદ ગાલા દ્વારા, ભુજ : કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજ ખાતે આવેલી પ્રાંત અને મામલતદાર કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ગોઠવવામાં આવેલા સફળ છટકામાં ભૂજ શહેર મામલતદાર કચેરીના વર્ગ-૩ના રેવન્યુ તલાટી ચંદુભાઈ ગેલાભાઈ હરણ (ઉંમર વર્ષ ૩૪) ₹૩૫,૦૦૦ની ગેરકાયદેસર લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયા છે.

 

આ કેસની પ્રાપ્ત વિગત મુજબ, ફરિયાદી જાગૃત નાગરિકની મોજે ભૂજ ખાતે આવેલી વડીલોપાર્જિત જમીન ગત તા. ૨૭ માર્ચ ૨૦૨૬ના રોજ રજિસ્ટર્ડ દસ્તાવેજથી વેચાણ કરવામાં આવી હતી. આ જમીન વેચાઈ ગયા બાદ ફરિયાદી પાસે અન્ય કોઈ ખેતીની જમીન બાકી રહેતી ન હોવાથી, પોતાનો ખેડૂત ખાતેદાર તરીકેનો દરજ્જો ચાલુ રાખવા માટે તેઓએ ખેડૂત ખાતેદારના દાખલા માટે અરજી કરી હતી. આ દાખલો કાઢી આપવાના અવેજ પેટે રેવન્યુ તલાટી ચંદુભાઈ હરણ દ્વારા શરૂઆતમાં ₹૪૦,૦૦૦ની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવી હતી. રકજકના અંતે ₹૩૫,૦૦૦ આપવાનું નક્કી થયું હતું અને તે રકમ ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ આપવાનો વાયદો કરાયો હતો.

 

ફરિયાદી આ ગેરકાયદેસર લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબી દ્વારા પ્રાંત અને મામલતદાર કચેરી ભૂજ-કચ્છ ખાતે લાંચના છટકાંનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આરોપી તલાટી ચંદુભાઈ હરણે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹૩૫,૦૦૦ની લાંચની માંગણી કરી તે રકમ સ્વીકારતા જ સ્થળ પર હાજર એસીબીની ટીમે તેમને પકડી પાડ્યા હતા. એસીબી દ્વારા લાંચની સંપૂર્ણ ₹૩૫,૦૦૦ની રકમ રિકવર કરી આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

આ સફળ ટ્રેપ કામગીરી એસીબી રાજકોટના ઈન્ચાર્જ નિયામક બળદેવસિંહ વાઘેલાના સુપરવિઝન હેઠળ, એસીબી બોર્ડર એકમ ભૂજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શનમાં ભૂજ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.જે. ચૌધરી તથા તેમના સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી.

(7:40 PM IST)