<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

નાનીબોરૂ ગામે ભાગવત સપ્તાહ સાથે વ્યાપક વૃક્ષારોપણ અભિયાનનો સંકલ્પ : શ્રી કૃષ્ણ અને શ્રી રામની લીલાઓમાં પ્રકૃતિ રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું - વિશ્વાનંદ માતાજી

વાતાવરણ શુદ્ધિ માટે યજ્ઞનું મહત્વ સમજાવી પ્રકૃતિ રક્ષા માટે સંકલ્પબદ્ધ થવા આહવાન : હાલાણી એજ્યુકેશનલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત ગામના પિતૃઓના મોક્ષાર્થે સુંદર આયોજન

નાનીબોરૂ, શુક્રવાર: ધોળકા તાલુકાના નાનીબોરૂ ગામે હાલ આધ્યાત્મિકતા અને પ્રકૃતિ પ્રેમના અનોખા સંગમ સમાન ધાર્મિક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. નાનીબોરૂ ગામે સમસ્ત પિતૃઓના જીવન મોક્ષાર્થે હાલાણી એજ્યુકેશનલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ, આણંદ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગત મંગળવારથી શરૂ થયેલી આ કથામાં શિવકુંજ આશ્રમ જાળિયાના વિશ્વાનંદ માતાજીના વ્યાસાસનેથી શ્રોતાઓ ભાવપૂર્વક કથામૃતનું પાન કરી રહ્યા છે. આ ધાર્મિક મહોત્સવની વિશેષતા એ છે કે અહીં ભાગવત સપ્તાહની સાથે સાથે સમગ્ર પંથકમાં વ્યાપક વૃક્ષારોપણ અભિયાન ચલાવવાનો એક દ્રઢ સંકલ્પ લેવામાં આવ્યો છે.

કથા દરમિયાન વ્યાસપીઠ પરથી ભક્તિભાવપૂર્વક ભાગવત ગાન સાથે વિશ્વાનંદ માતાજીએ પ્રકૃતિ મહિમા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેઓએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, આપણા આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા પૃથ્વી પર જે લીલાઓ કરવામાં આવી હતી, તે તમામ લીલાઓની સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યું હતું. આ સાથે જ તેઓએ વાતાવરણની શુદ્ધિ અને પર્યાવરણના સંતુલન માટે યજ્ઞોનું ધાર્મિક તથા વૈજ્ઞાનિક મહાત્મ્ય વિગતવાર સમજાવ્યું હતું અને ઉપસ્થિત તમામ ભક્તોને પ્રકૃતિની રક્ષા કાજે વ્યક્તિગત રીતે સંકલ્પબદ્ધ થવા માટે આહવાન કર્યું હતું. કથા દરમિયાન યોજાતા ભજન, સંકીર્તન અને રાસ ઉત્સવો દ્વારા ભાવિક શ્રોતાઓ ભક્તિરસમાં તરબોળ થઈ રહ્યા છે.

આ ધાર્મિક મહોત્સવનું આયોજન કરનાર સંઘ પરિવાર સાથે જોડાયેલા અને હાલાણી એજ્યુકેશનલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણી રાજુભાઈ (તાજુદ્દીનભાઈ) હાલાણીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં રાષ્ટ્રીય ભાવના અને સર્વધર્મ સમાનતાના મૂલ્યોનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ માનવસેવા એ જ પ્રભુસેવા હોવાનું જણાવી દેશદાઝ અને રાષ્ટ્રીય ચેતના પર વિશેષ ભાર મૂક્યો હતો. કથા પ્રસંગે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે યોજાયેલા વૃક્ષારોપણ સંકલ્પ કાર્યક્રમમાં ગામના પ્રવિણભાઈ પટેલ, વન વિભાગના અધિકારી અરવિંદભાઈ ધોળકિયા તથા પર્યાવરણ કાર્યકર્તા જયદીપભાઈ ગઢિયાના સુચારુ સંકલન દ્વારા ભક્તોને વૃક્ષના છોડ અર્પણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કથાના આયોજન અને સંકલન વ્યવસ્થામાં અગ્રણી ભૂમિકા ભજવનારા શક્તિ ઉપાસક હબીબભાઈ હાલાણી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા માટે આશ્રમ પરિવારના નંદલાલભાઈ જાની અને અનંતભાઈ શાસ્ત્રીની સાથે નાનીબોરૂ ગામના સમસ્ત ગ્રામજનો ભારે ઉત્સાહ અને પવિત્ર ભાવ સાથે સેવા આપી રહ્યા છે. આ કથા અંતર્ગત ઉજવાતા વિવિધ ધાર્મિક પ્રસંગો અને ઉત્સવોમાં સમગ્ર નાનીબોરૂ પંથકમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈને ધન્યતા અનુભવી રહ્યા છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(4:05 PM IST)