<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

કેશોદમાં ‘સત્તાનું સુકાન' સંભાળવાની રાહમા પ્રતિનિધિઓઃ પ્રમુખ પદ માટે બક્ષીપંચ સ્‍ત્રી આરક્ષિત

‘સત્તાની ખુરસી' માત્ર હાથ વેંત દૂર !: જન આદેશ તો થઈ ચૂકયો, નવી ટીમના નામ ગેઝેટમાંથી પસાર થયા બાદ જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રીના આદેશની પ્રતીક્ષા... : ચૂંટણી પરિણામો અંગે પ્રતિક્રિયામાં સ્‍થાનિક શહેર ભાજપ પ્રમુખ હિરેન ભોરાણીયા એ કહ્યું, અમારો ટાર્ગેટ ૩૩ નહીં પણ ૩૬ બેઠકનો હતો, અમારી હજુ કયાંક ચૂંક રહી ગઈ !: કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણીએ જણાવ્‍યું અમારા ઉમેદવારો ના મતો નું વિભાજન થતાં ભાજપને લાભ મળ્‍યોઃ આપના પ્રમુખ રાકેશ વણપરીયા એ કહ્યું કે, પાલિકામાં હાર ચોક્કસ થઈ પણ તાલુકા પંચાયતમાં એક બેઠક મળતા આ સાથે કેશોદ વિસ્‍તારમાં કાયમ માટે આપનો ઉદય થઈ ચૂકયો છે!

 

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૪: નવ વોર્ડનુ ભૌગોલિક સીમાંકન ધરાવતી કેશોદ નગરપાલિકા ની ૩૬ બેઠક માટેની, ૫૩ ગામડાઓનું પ્રતિનિધિત્‍વ કરતી કેશોદ તાલુકા પંચાયતની ૧૮ બેઠક માટેની તથા કેશોદ મતવિસ્‍તાર સાથે સંબંધ ધરાવતી જિલ્લા પંચાયત ની ચાર બેઠક માટે ની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા ગત મંગળવારે પરિણામો જાહેર થતાં અત્રે ત્રણેય સંસ્‍થાઓમાં ભાજપનો ભોગવો લહેરાયો છે. અત્રે નોંધનીય છે કે, ચાલુ વર્ષે આગામી અઢી વર્ષ માટે સ્‍થાનિક નગરપાલિકામાં પ્રમુખ પદની પસંદગી માટે પ્રથમ ટર્મ માં બક્ષીપંચ વર્ગના મહિલા ઉમેદવાર માટે આરક્ષિત કરવામાં આવેલ છે.

કેશોદ મતવિસ્‍તારમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ૩ મુખ્‍ય સંસ્‍થાઓ નગરપાલિકા , તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ની ચૂંટણી ના કારણે લગભગ છેલ્લા એકાદ મહિના થી આ વિસ્‍તારમાં ચૂંટણીલક્ષી માહોલ હતો. જે ચૂંટણી પરિણામો બાદ માહોલ શાંત પડેલ છે. હારેલા ઉમેદવારો તથા કાર્યકરો પોતાના રૂટિન મુજબના કામમાં પરોવાઈ ગયા છે.

બીજી તરફ ભાજપ જીતનો જીતનો જશન મનાવી રહેલ છે જ્‍યારે કોંગ્રેસ તથા આપ ચૂંટણી પરિણામો અંગે ચિંતન કરી રહ્યા છે ત્‍યારે આ સ્‍થિતિ વચ્‍ચે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને જનઆદેશ તો મળી ગયો છે આમ છતાં પણ હજુ ‘‘સત્તા'' હાથમાં આવેલ નથી ! ‘‘સત્તા ની ખુરશી'' સંભાળવા માટે જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી ના આદેશ ની આતુરતા પુર્વક રાહ જોવાઈ રહી હોવાનું જણાઈ રહેલ છે.

સ્‍થાનિક કેશોદ નગરપાલિકાની વાત કરીએ તો નવી ‘‘બોડી'' નજીકના ભવિષ્‍યમાં આગામી પાંચ વર્ષ માટે અસ્‍તિત્‍વમાં આવી જશે. સ્‍થાનિક પાલિકા ના રજીસ્‍ટાર શ્રી પ્રવીણભાઈ વિઠલાણી ના જણાવ્‍યા મુજબ ૨૦૨૬ -૩૧ ની નવી ‘‘બોડી'' માટે પ્રથમ ટર્મમાં આગામી અઢી વર્ષ સુધી પ્રમુખ પદ માટે રોટેશન મુજબ બક્ષીપંચસ્ત્રી અનામત છે.

 નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાલિકાની સત્તા સંભાળવા માટે ઉત્‍સુક જણાઇ રહ્યા છે. પરંતુ આ નવા પ્રતિનિધિઓના નામ પહેલા ગેઝેટમાં થી પસાર થયા બાદ કલેક્‍ટર કમ જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી દ્વારા એજન્‍ડા બહાર પાડી નિયત કરવામાં આવેલ તારીખે જનરલ બોર્ડની બેઠક બોલાવવા માટે પ્રતિનિધિઓને આમંત્રિત કરવામા આવશે આ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ ચૂંટાયેલી નવી શ્ન બોડી શ્ન પાલિકાનું સુકાન સંભાળી કાર્યરત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્‍થાનિક નગર પાલિકા ગત ટર્મ મા ભાજપ શાસિત હતી. જેનુ તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં પુનરાવર્તન થવા પામેલ છે. પાલિકા મા ભાજપ ના ૩૩ તથા કોંગ્રેસના ૩ મળી કુલ ૩૬ સદસ્‍યો ના સંખ્‍યાબળ સાથે જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ લગભગ એક સપ્તાહ બાદ પુનઃ નવી બોડી અસ્‍તિત્‍વમાં આવશે. તેવું મનાઈ રહેલ છે.

દરમિયાન ભાજપ કોંગ્રેસ તથા આપ એમ ત્રણેય પાર્ટીના સ્‍થાનિક આગેવાનો નો સંપર્ક કરી ચૂંટણી પરિણામ અંગે ના પ્રત્‍યાઘાતો જાણવા પ્રયાસ કર્યો હતો . પ્રવર્તમાન ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ હતો, જેમના નેતળત્‍વ હેઠળ ભાજપની ટીમ ચૂંટણી લડી રહી હતી તે કેશોદ શહેર ભાજપ ના પ્રમુખ હિરેનભાઈ ભોરાણીયા નો સંપર્ક કરતા તેમણે જણાવેલ હતું કે, મતદારોએ ખોબલે ને ખોબલે મત ના રૂપમાં કમળના ફૂલ આપી અમારા ઉમેદવારોને આવકારેલ છે, જેનો અમોને આનંદ છે. પરંતુ ખરેખર અમારો ટાર્ગેટ ૩૩ નહીં પણ ૩૬ બેઠક પૂરો હતો ! ત્‍યારે ટાર્ગેટ પૂરો ન થવામાં અમારી કયાં ક્ષતિ રહી ગઈ તે અમારા માટે ચિંતનનો વિષય છે. ભાજપે સંકલ્‍પ પત્રમાં કરેલ જાહેરાત મુજબ અમારી ટીમ નગરપાલિકાના માધ્‍યમથી આગામી પાંચ વર્ષ માટે કામ કરતી રહેશે.

આ ચૂંટણી પરિણામો મા આપની હાજરી એ કોંગ્રેસને અસર કરી તેમ વિશ્‍લેષકો માની રહ્યા છે. આ અંગેના એક સવાલના જવાબમાં શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી ભરતભાઈ લાડાણી એ જન આદેશને શિરોમાન્‍ય ગણાવી જણાવેલ કે, પ્રવર્તમાન ચૂંટણીમાં આવેલ નબળા પરિણામના કારણ અંગે જણાવ્‍યું હતું કે, ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી ના આગેવાનો સમક્ષ ગઠબંધન નો પ્રસ્‍તાવ મુકેલ હતો. પરંતુ જાણે કે આપ ભાજપને જીતાડવા માટે જ ચૂંટણી જંગ ના મેદાનમાં આવી હોય તેમ સ્‍વતંત્ર રીતે ચૂંટણી લડવાનો મનસુબો ધડતા તેમણે પણ કારમી હાર ભોગવવી પડેલ છે. કોંગ્રેસના મતોનું વિભાજન થઇ જતા જેનો સીધો લાભ ભાજપને મળી જવા પામેલ છે. જો ગઠબંધન થયું હોત તો પરિણામ કંઈક અલગ જ હોત. આમ છતાં લોકોનો વિશ્વાસ જીતવામાં અમારી કયાં ચૂંક રહી ગઈ ? તેમજ ભવિષ્‍યમાં કોઈ ક્ષતિ ન રહે તે અંગે મનોમંથન કરી ત્રુટીઓ દૂર કરવાનો પ્રયત્‍ન કરીશું. અને સતત લોકોની સાથે રહી જાહેર હીત ના કામ કરતા રહીશું.

જ્‍યારે આપને જન સમર્થન સારું મળેલ હોવા છતાં સ્‍થાનિક પાલિકામાં આપ એક પણ બેઠક કેમ મેળવી કયુ નહીં ? તે અંગે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાકેશભાઈ વણપરીયા એ પરાજીત થવા પાછળ મતોનુ થયેલ ધ્રુવીકરણ ને કારભૂત ગણાવતા જણાવેલ હતું કે, આપ દ્વારા સૌ પ્રથમ વખત ૨૪ સક્ષમ ઉમેદવારો સાથે રાજકીય કાવા દવા અને પરાકાષ્ઠાઓની ચરમસીમા વચ્‍ચે પણ અડગ રહી સ્‍થાનિક પાલિકાની ની ચૂંટણી માં લડત આપેલ. અમે પાલિકાની ચૂંટણી જીતી નથી શકયા પણ અમારા ઉમેદવારોને મળેલ મત પર થી જણાઈ રહ્યું છે કે અમોને લોકોનો પ્રેમ ( જન સમર્થન) પુષ્‍કળ મળેલ છે.

પાલિકા ની ચૂંટણી નો પરાજ્‍ય ખેલદિલી સાથે સ્‍વીકારીએ છીએ પણ તાલુકા પંચાયતમાં અમોને એક બેઠક મળેલ હોય આ સાથે કેશોદ મતવિસ્‍તારમાં આમ આદમી પાર્ટીનો કાયમી ધોરણે ઉદય થઈ ચૂકયો છે. જેનું આગામી ચૂંટણીઓમાં પરિણામ જોવા મળશે. આગામી એક સપ્તાહ બાદ અમો કાર્યકરો સાથે ગ્રાઉન્‍ડ લેવલે આવી પુનઃ લોકો વચ્‍ચે રહી લોક સેવા કરતા આ વિસ્‍તારના લોકોને જોવા મળશે.

(1:06 PM IST)