તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ બાદ રાહત અને પુનઃસ્થાપનની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા કલેક્ટર જી. એચ. સોલંકીની કડક સૂચના
પ્રાંત અને પ્રભારી અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેશે : કેશડોલ્સ, મકાન નુકસાની અને ઘરવખરી સહાયનો ત્વરિત સર્વે કરી ચૂકવણી કરવા આદેશ

સુરેન્દ્રનગર:સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા રાહત અને પુનઃસ્થાપનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટર જી. એચ. સોલંકીએ તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રજાજનોને વહેલી તકે તમામ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સ્પષ્ટ અને આકરા નિર્દેશો જારી કર્યા છે.
૨૪ કલાકમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા અને રસ્તાઓ પરથી અવરોધો દૂર કરવા નિર્દેશ:
કલેક્ટર જી. એચ. સોલંકીએ પીજીવીસીએલ (PGVCL) ને આદેશ આપ્યો છે કે ખોરવાયેલા વીજ પુરવઠાને આગામી ૨૪ કલાકની અંદર કોઈપણ ભોગે પૂર્વવત કરવામાં આવે. આ સાથે ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પરથી અવરોધો અને કચરો તાત્કાલિક દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરવા રસ્તા મકાન વિભાગને જણાવાયું છે. પ્રાંત અધિકારીઓ અને પ્રભારી અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ ਮੁલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરશે. વરસાદના કારણે થયેલા મકાન નુકસાની અને ઘરવખરીના નુકસાનનો ત્વરિત સર્વે કરીને અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી ઝડપથી પૂરી કરવા આદેશ અપાયો છે.
આરોગ્ય, સફાઈ અને કૃષિ-પશુપાલન ક્ષેત્રે ખાસ ઝુંબેશ:
રોગચાળો ન ફેલાય તે માટે સમગ્ર જિલ્લામાં સફાઈ ઝુંબેશ, ક્લોરિનેશનયુક્ત પીવાનું પાણી અને તમામ હોસ્પિટલોમાં જરૂરી દવાનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવા આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સગર્ભા અને ધાત્રી માતાઓની તબીબી સંભાળ પર ખાસ ધ્યાન આપવા જણાવાયું છે. બીજી તરફ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન તથા સહાય આપવા અને વરસાદના કારણે પશુધનને થયેલા નુકસાન અંગે ત્વરિત સર્વે કરીને પશુપાલકોને મદદ પૂરી પાડવાની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
