<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

દેવભૂમિ દ્વારકામાં દારૂ માફિયાઓ સામે રાજકોટ રેન્જની લાલ આંખ: બરડા ડુંગરની અવાવરૂ જગ્યામાં બાવળની કાંટમાં ધમધમતી દેશી દારૂની ચાલુ ભઠ્ઠીનો પર્દાફાશ : 1.14 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાણવડ પોલીસ સ્ટેશનના વીનેશ-છેલાનેશ વચ્ચેના જંગલ વિસ્તારમાં આરોપી રૂડા મોરી ભઠ્ઠી ચલાવતો હતો, પોલીસને જોઈને ફરાર થઈ ગયો: IG નિર્લિપ્ત રાયની સૂચના બાદ રેન્જ ટીમની હ્યુમન સોર્સથી મોટી સફળતા

(મુકુંદ બદીયાણી દ્વારા) તા.૨૫ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ સામે રાજકોટ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારના અતિ દુર્ગમ ગણાતા બરડા ડુંગરના જંગલમાં વીનેશ અને છેલાનેશ ગામની વચ્ચે બાવળની ગીચ કાંટમાં છુપાઈને ચાલતી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી રાજકોટ રેન્જ ટીમે શોધી કાઢી છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના તમામ જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા અને આવા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી.

 

જેના પગલે રાજકોટ રેન્જના પો.ઇન્સ. અપૂર્વ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.  પી.એન.મોરી,  બી.સી.મિયાત્રા,  એસ.પી.ગોહિલ,  એ.વાય.ઉધાસ અને તેમની ટીમ હ્યુમન સોર્સથી માહિતી એકત્ર કરી અભ્યાસ કરી રહી હતી.

દરમિયાન સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, વનરાજભાઈ મકવાણા, મીતેશભાઈ પટેલ, કમલેશભાઈ રબારી, વિપુલભાઈ મોરી, પરેશભાઈ સાંજવા તથા ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ જાડેજા ને ચોક્કસ હકીકત મળી હતી કે ભાણવડના બરડા ડુંગરમાં આરોપી રૂડા વીહાભાઈ મોરી, રહે. ધામડીનેશ, તા.ભાણવડ, જિ.દેવભૂમિ દ્વારકા દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે અને અત્યારે ભઠ્ઠી ચાલુ છે.

 

બાતમીના આધારે ટીમે ત્યાં રેઈડ કરતા સ્થળ પરથી

- તૈયાર દેશી દારૂ લીટર 120 - કિંમત રૂ. 24,000/-

- દારૂ બનાવવાનો આથો લીટર 3500 - કિંમત રૂ. 80,000/-

- દારૂ બનાવવાના અન્ય સાધનો - ભઠ્ઠી, બેરલ, નળીઓ

એમ કુલ મળી રૂ. 1,14,000/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

 

પોલીસની રેઈડ દરમિયાન આરોપી રૂડા મોરી જંગલનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. હાજર નહીં મળી આવેલા આરોપી વિરુદ્ધ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેન્જ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(1:43 PM IST)