<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

કચ્છના સમાઘોઘા ગામના 5 વર્ષના બાળક માટે RBSK ટીમ બની દેવદૂત, સમયસર નિદાનથી મળી હૃદયરોગની આધુનિક સારવાર

વાલીની અનિચ્છા છતાં ટીમના સતત કાઉન્સેલિંગથી થયું નિદાન, જન્મજાત હૃદયની ખામી ધરાવતા ક્રિષ્નરાજને મળ્યું નવજીવન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કચ્છના મુન્દ્રા તાલુકાની RBSK ટીમની સતર્કતા અને સમયસરની કામગીરીના કારણે સમાઘોઘા આંગણવાડી કેન્દ્ર-2 ના 5 વર્ષના બાળકને જીવનદાયી સારવાર પ્રાપ્ત થઈ છે. RBSK ટીમ બાળક માટે દેવદૂત બનીને સામે આવી છે.  

 

RBSK હેઠળ સમાઘોઘા આંગણવાડી કેન્દ્ર-2 ની નિયમિત મુલાકાત દરમિયાન ક્રિષ્નરાજ જાડેજા નામના 5 વર્ષના બાળકમાં જન્મજાત હૃદયની ખામી હોવાની શંકા ટીમને વ્યક્ત થઈ હતી. સ્ક્રીનિંગ દરમિયાન જોવા મળેલાં લક્ષણોને આધારે વધુ તપાસની જરૂરિયાત જણાતાં, ટીમે તાત્કાલિક બાળકના વાલીનો સંપર્ક કરીને 2D Echo સહિતની જરૂરી તબીબી તપાસ કરાવવા માર્ગદર્શન આપ્યું હતું.  

 

જોકે, શરૂઆતમાં વાલીએ બાળકને આવી કોઈ તકલીફ ન હોવાનું જણાવીને તપાસ કરાવવા પ્રત્યે અનિચ્છા દર્શાવી હતી. તેમ છતાં, RBSK ટીમે હિંમત હાર્યા વિના વાલીને જન્મજાત હૃદયરોગ અંગે વિગતવાર સમજ આપી અને સમયસર નિદાન તથા સારવારનું મહત્ત્વ સમજાવ્યું હતું. ટીમના સતત પ્રયાસો અને યોગ્ય કાઉન્સેલિંગના પરિણામે વાલી તપાસ માટે સંમત થયા હતા.  

 

તબીબી તપાસ દરમિયાન 2D Echo રિપોર્ટમાં બાળકને જન્મજાત હૃદયની ખામી હોવાનું સચોટ નિદાન થયું હતું. આથી, RBSK ટીમ દ્વારા તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરીને બાળકને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યું હતું. હાલ આ બાળક નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ જરૂરી સારવાર મેળવી રહ્યું છે.  

 

આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે RBSK કાર્યક્રમ હેઠળ બાળકોમાં જન્મજાત ખામીઓ, રોગો, પોષણની ઉણપ અને વિકાસલક્ષી વિલંબની સમયસર ઓળખ કરીને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમણે માતા-પિતાને અપીલ કરી કે બાળકમાં કોઈપણ અસામાન્ય લક્ષણ જણાય તો સત્વરે આરોગ્ય કર્મચારીઓનો સંપર્ક કરે. આ કિસ્સો સરકારના RBSK કાર્યક્રમની અસરકારકતા અને બાળકોના આરોગ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

(9:23 AM IST)